Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

એક દિવસમાં ૩૩.૮ લિટર દૂધ આપી બની દેશની નંબર ૧ ભેંસ

હરિયાણાની રેશ્‍માએ બનાવ્‍યો રેકોર્ડ

રીવા તા. ૨૪ : હરિયાણાના કૈથલ ખાતે આવેલા બૂઢા ખેડા ગામનો સુલતાન નામનો પાડો સમગ્ર દેશમાં પ્રસિદ્ધિ પામ્‍યો હતો. હવે સુલતાન તો નથી રહ્યો પરંતુ તેના માલિકને એક નવી ઓળખ તેની જ ભેંસ રેશમાએ અપાવી છે. મુર્રાહ નસલની રેશમા ભેંસે ૩૩.૮ લીટર દૂધ આપીને એક નેશનલ રેકોર્ડ બનાવ્‍યો છે. હવે તે સમગ્ર ભારતમાં સૌથી વધુ દૂધ આપનારી ભેંસ બની ગઈ છે. રેશમાએ પહેલીવાર જયારે બાળકને જન્‍મ આપ્‍યો તો ૧૯-૨૦ લીટર દૂધ આપ્‍યું હતું. બીજીવાર તેણે ૩૦ લીટર દૂધ આપ્‍યું હતું. જયારે ત્રીજીવાર રેશમા માતા બની તો તેણે ૩૩.૮ લીટર દૂધ સાથે એક નવો રેકોર્ડ બનાવી દીધો હતો.

ઘણા ડોક્‍ટર્સની ટીમે રેશમાનું ૭ વખત દૂધ કાઢીને જોયું ત્‍યારબાદ તે ભારતમાં સૌથી વધુ દૂધ આપનારી ભેંસ તરીકેની પુષ્ટિ પામી હતી. નેશનલ ડેરી ડેવલપમેન્‍ટ બોર્ડ (NDDB) તરફથી હાલમાં જ ૩૩.૮ લીટર રેકોર્ડના સર્ટિફિકેટે રેશમાને ઉન્નત પ્રજાતિની પહેલા નંબરની શ્રેણીમાં લાવી દીધી છે. રેશમાના દૂધના ફેટની ગુણવત્તા ૧૦માંથી ૯.૩૧ છે.

રેશમાના દૂધને દોહવા માટે ૨ લોકોએ મહેનત કરવી પડે છે. કારણ કે આટલું દૂધ દોહવું એ એક વ્‍યક્‍તિ માટે મુશ્‍કેલ છે. રેશમાએ ડેરી ફાર્મિંગ એસોસિએશન તરફથી યોજવામાં આવેલા પશુ મેળામાં ૩૧.૨૧૩ લીટર દૂધ સાથે પ્રથમ પુરસ્‍કાર જીત્‍યો છે. આ ઉપરાંત અન્‍ય ઘણા ઈનામ રેશમાએ જીત્‍યા છે.

રેશમાના માલિક નરેશ તેમજ રાજેશે જણાવ્‍યું કે, સુલતાને અમને એ નામના આપી હતી જેના કારણે દેશ-પ્રદેશમાં દરેક વ્‍યક્‍તિ અમને ઓળખતી થઈ ગઈ છે. તેની ખોટ હંમેશા વર્તાશે પરંતુ હવે અમે અન્‍ય કોઈ પાડો તૈયાર કરીશું. પશુઓમાં ઘણી નામના મેળવી પરંતુ સુલતાન જેવું કોઈ નથી. હવે મુર્રાહ નસલની રેશમા ભેંસ પણ ઘણું બધુ દૂધ આપીને નામના મેળવી રહી છે. તેણે સૌથી વધુ દૂધ આપીને રેકોર્ડ બનાવ્‍યો છે.

સુલતાનના સીમનથી લાખો રૂપિયાની કમાણી થતી હતી. સુલતાન વર્ષભરમાં સીમનના ૩૦ હજાર ડોઝ આપતો હતો. જે લાખો રૂપિયામાં વેચાતું હતું. સુલતાન વર્ષ ૨૦૧૩માં થયેલી રાષ્ટ્રીય પશુ સૌંદર્ય પ્રતિયોગિતામાં ઝજ્જર, કરનાલ અને હિસારમાં રાષ્ટ્રીય વિજેતા પણ રહી ચુક્‍યો હતો. રાજસ્‍થાનના પુષ્‍કર મેળામાં એક પશુ પ્રેમીએ સુલતાનની કિંમત ૨૧ કરોડ રૂપિયા લગાવી હતી પરંતુ નરેશે કહ્યું હતું કે, સુલતાન તેના દીકરા જેવો છે અને દીકરાની કોઈ કિંમત નથી હોતી. સુલતાનનું ગયા વર્ષે સપ્‍ટેમ્‍બર મહિનામાં મોત થઈ ગયુ હતું.

(11:29 am IST)