Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

મોંઘવારી ઘટાડવા સરકાર વધુ કેટલીક રાહતો આપશે

પેટ્રોલ - ડિઝલ પરની એકસાઇઝ ઘટાડયા બાદ સરકાર કેટલાક ટુંકાગાળાથી લઇને લાંબાગાળાના પગલા લેશે કે જેથી ફુગાવો નિયંત્રણમાં રહે

નવી દિલ્‍હી તા. ૨૪ : ગયા સપ્‍તાહમાં પેટ્રોલ - ડીઝલનાભાવો નીચે લાવવા માટે એકસાઇઝ ડયુટી ઘટાડયા પછી સરકાર મોંઘવારી ઘટાડવા માટે અન્‍ય કેટલાક ટુંકાથી મધ્‍યમગાળાના પગલા લઇ શકે છે તેવું આ બાબતથી માહિતગાર લોકોએ કહ્યું હતું. વિચારાધીન પગલાઓમાં ખાદ્યતેલ જેવી જીવન જરૂરી વસ્‍તુઓ અને ઉદ્યોગો માટેના આયાતી કાચા માલની કસ્‍ટમ ડયુટી ઘટાડવા જેવા પગલાઓ છે.

એગ્રીકલ્‍ચર ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર ડેવલપમેન્‍ટ સેસ (એઆઇડીસી) જે અમુક ચીજોની આયાત પર લેવામાં આવે છે તેમાં પણ છૂટછાટ આપી શકાય છે. સરકાર મોંઘવારી ઘટાડવા માટે આતુર છે જેથી નાણાની તંગી ઘટાડી શકાઇ કેમકે વ્‍યાજદરમાં તીવ્ર વધારાથી અર્થ વ્‍યવસ્‍થાની માંડ પાટે ચડેલી ગાડી ફરીથી ડામાડોળ થઇ શકે છે.

માહિતગાર લોકોએ કહ્યું કે, નાણા મંત્રાલય અને પીએમઓના અધિકારીઓ વચ્‍ચે ભાવ ઘટાડા માટે જરૂરી પગલા બાબતે ગયા અઠવાડીયે ચર્ચા થઇ હતી. એક સીનીયર અધિકારીએ કહ્યું કે, મોંઘવારી ૬૦ થી ૭૦ બેસીસ પોઇન્‍ટ જેટલી ઘટાડવાનું લક્ષ્ય છે અને ડયુટીમાં છૂટછાટનો બીજો રાઉન્‍ડ આવી શકે છે. એપ્રીલમાં છૂટક મોંઘવારી ૭.૭૯ ટકાએ પહોંચી છે જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધારે છે.

પામ ઓઇલ પરની આયાત ડયુટી સાવ ઘટાડી દેવાઇ છે અને સરકાર હવે ચોખા, કેનોલા, પામ કેર્નેલ અને ઓલીવ જેવા ખાદ્યતેલોની ડયુટી ૩૫ ટકા જેટલી ઘટાડવા વિચારી રહી છે. આ પગલાથી પામ ઓઇલ પરની નિર્ભરતા ઘટશે એમ પણ અધિકારીએ કહ્યું હતું.

(11:18 am IST)