Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

શ્રીનગરથી શારજાહ ડાયરેકટ ફલાઇટ ૧ જૂનથી ફરી શરૃ થશે

જમ્મુ તા. ર૪: મુસાફરોના અભાવે અને ત્યારપછી નિયંત્રણોના કારણે છેલ્લા ઘણાં મહિનાથી બંધ થયેલ શ્રીનગર-શારજાહ ફલાઇટ ૧ જૂનથી શરૃ થશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે. ર૩ ઓકટોબરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ફલેગ ઓફ કરાયેલ ડાયરેકટ ફલાઇટ સેવાને ઘણી મુશ્કેલીઓ ત્યાર પછી રહી હતી.

સૌ પહેલા પાકિસ્તાન દ્વારા એર સ્પેસ આપવાની ના પછી પેસેન્જરોમાં થયેલ જોરદાર ઘટાડા એ આ ડાયરેકટ ફલાઇટને પાટા પરથી ઉતારી દીધી હતી.

હવે જો કે શ્રીનગર એરપોર્ટના ડાયરેકટર કુલદીપ સીંઘે કહ્યું છે કે શ્રીનગરથી શારજાહ વચ્ચે ડાયરેકટ ફલાઇટ ૧ જૂનથી શરૃ થઇ જશે. શારજાહ જવા માટે દર બુધવાર અને શનિવારે રાત્રે ૯ વાગ્યે અને શારજાહથી દર ગુરૃવાર અને રવિવારે સવારે ૮-૧પ વાગ્યે ફલાઇટ મળશે.

આ ડાયરેકટ ફલાઇટ સેવા શરૃ થવાને કાશ્મીરના ધંધાર્થીઓએ આવકારી છે. કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ ભૂતપૂર્વ પ્રમુખ જાવીદ ટેંગાએ કહ્યું આનાથી લોકો અને વેપારીઓને ફાયદો થશે એટલું જ નહીં પણ પોતાના સગા અને મિત્રોને મળવા ઇચ્છતા લોકોને પણ આ ડાયરેકટ ફલાઇટથી સુવિધા રહેશે અને ટ્રાવેલ સેકટરનો ધંધો વધશે.

(3:06 pm IST)