Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

વેટ અપીલનો નિકાલ નહીં થતા GSTના કેસ અટવાયા

પાંચ વર્ષ થવા છતાં હજુ સુધી સ્‍ટેટ જીએસટીમાં અપીલના કેસની કાર્યવાહી જ થતી નથી : સેન્‍ટ્રલ જીએસટીમાં અપીલના કેસની સુનાવણી શરૂ કરી નિકાલ કરવાની શરૂઆત

નવી દિલ્‍હી, તા.૨૪: જીએસટી લાગુ થવાને પાંચ વર્ષ પુરા થવાના હોવા છતાં હજુ સુધી જીએસટી અપીલના કેસની કાર્યવાહી જ સ્‍ટેટ જીએસટી દ્વારા કરવામાં નહીં આવતા વેપારીઓના કરોડો રૂપિયા ફસાયા છે. કેસ નિકાલ નહીં કરવા પાછળનું કારણ એવું પણ જાણવા મળ્‍યુ છે કે હજુ સુધી વેટ અપીલના કેસનો જ નિકાલ કરવામાં આવ્‍યો નહીં હોવાના લીધે જીએસટીના કેસમાં આગળ કામગીરી કરવામાં આવતી નથી.

જીએસટીમાં આડેધડ આકારણી કરવામાં આવી હોય એટલે કે વેપારીની ભૂલ નહીં હોવા છતા વિભાગ દ્વારા વધુ વસૂલાત કરવા માટેની કાર્યવાહી કરી હોય તેવા કિસ્‍સામાં વેપારી તેના માટે અધિકારીએ વસૂલાત માટે ફટકારેલી નોટિસના નાણાની ૧૦ ટકા રકમ ભરપા કરીને અપીલમાં જઇ શકતો હોય છે. જયારે હજુ સુધી સ્‍ટેટ જીએસટીમાં અપીલના કેસની કાર્યવાહી જ શરૂ થઇ શકી નથી. તે માટેનું કારણ એવું જાણવા મળ્‍યું છે કે જીએસટી ૧ જુલાઇ, ૨૦૧૭ના રોજ લાગુ થયો તે પહેલા અમલમાં રહેલા વેટ અપીલના અંદાજિત ૭ હજારથી વધુ કેસનું નિરાકરણ  કરવાનું બાકી છે. જૂના કેસનું જ હજુ સુધી નિરાકરણ આવ્‍યામાં આવ્‍યુ નહીં હોવાના લીધે જ સ્‍ેટ જીએસટીએ નવા કેસની કાર્યવાહી જ શરૂ કરી નથી. તેના કારણે વેપારીઓને સૌથી વધુ પરેશાની વેઠવી પડી રહી છે. તેમ જ તેઓના કરોડો રૂપિયા ફસાઇ ગયા છે. જયારે સેન્‍ટ્રલ જીએસટીમાં જીએસટી અપીલના કેસની કાર્યવાહી શરૂ કરવાની સાથે અનેક કેસનો નિકાલ પણ કરવામાં આવી રહ્યો છે. સ્‍ટેટ જીએસટીમાં ગોકળગાયની ગતિથી ચાલતી કામગીરીને કારણે વેપારીઓને ભારે પરેશાની વેઠવી પડી રહી છે.(૨૩.૧૮)

જીએસટી અપીલના કેસનો ઝડપથી નિકાલ કરવાની વ્‍યવસ્‍થા થવી જોઇએ

જીએસટી લાગુ થવાને હવે પાંચ વર્ષ પુરા થવા છતા હજુ સુધી વેટના કેસનો નિકાલ કરવામાં નહીં હોવાથી વેપારીઓને તકલીફ પડી રહી છે. જયારે જીએસટીમાં પણ અપીલના કેસ હજુ ચલાવવામાં આવતા નહી હોવાથી વેપારીઓએ અપીલમાં જવા માટે અત્‍યાર સુધીમાં લાખો રૂપિયા જમા કરાવ્‍યા છે તે નાણાં પણ કેસનો નિકાલ નહી થાય ત્‍યાં સુધી મળવાના નથી તેના લીધે તેઓના અપીલના કેસ ચલાવીને તેનો નિકાલ કરવામાં આવવો જોઇએ.

સૌથી વધુ કેસ ઇ-વે બિલમાં કલમ ૧૩૦ પ્રમાણે કાર્યવાહીના

ઇ-વે બિલ બનાવ્‍યા વિના વાહન પકડાય તો સ્‍ટેટ જીએસટી દ્વારા કલમ ૧૩૦ પ્રમાણે જ કાર્યવાહી કરતા હોય છે. જેથી તે વસ્‍તુ પકડાય હોય તેના બિલની રકમ પ્રમાણે ટેકસ વસુલાત કરવાના બદલે બિલની કિંમત કરતા સવા ગણો દંડ વસૂલ કરવામાં આવતો હોય છે. વેપારી તે નાણાં ભરપાઇ નહીં કરે તો તેનો માલ અને વાહન બંને જપ્‍ત કરી લેતા હોય છે. જયારે ૧૨૯ની કલમ પ્રમાણે ટેકસની વસુલાત કરવાની હોય છ. તેમાં ટેકસની રકમ કરતા ૧૦૦ ટકા વધુ એટલે બમણા ટેકસની વસૂલાત કરવાની હોય છે. પરંતુ મોટા ભાગના કિસ્‍સામાં ૧૩૦ પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આવા કેસમાં ૯૦ ટકા વેપારીઓ અપીલમાં જતા હોય છે. આવા હજારોની સંખ્‍યામાં અપીલના કેસની સૂનાવણી જ હજુ સુધી થઇ શકી નથી.

(3:16 pm IST)