Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 'જન-ગણ-મન' અને 'વંદે માતરમ' નું ગાન થવું જોઈએ : ભારતની આઝાદીની લડાઈમાં ઐતિહાસિક ભૂમિકા ભજવનાર 'વંદે માતરમ'ને રાષ્ટ્રગીત 'જન ગણ મન' સાથે સન્માનિત કરવા દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી


ન્યુદિલ્હી : ભારતની આઝાદીની લડાઈમાં ઐતિહાસિક ભૂમિકા ભજવનાર 'વંદે માતરમ'ને રાષ્ટ્રગીત 'જન ગણ મન' સાથે સમાન રીતે સન્માનિત કરવાની માગણી કરતી એક જાહેર હિતની અરજી મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. પિટિશનર એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયે દરેક કામકાજના દિવસે તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 'જન-ગણ-મન' અને 'વંદે માતરમ' વગાડવામાં આવે અને ગાવામાં આવે તે સુનિશ્ચિત કરવા કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરી હતી.

ભારતના બંધારણના અનુચ્છેદ 226 હેઠળ દાખલ કરાયેલ જાહેર હિતની અરજી જણાવે છે કે રાષ્ટ્રગીત, બંધારણ સભાના અધ્યક્ષ માનનીય ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 24.01.1950ના રોજ આપેલા નિવેદનની ભાવનામાં, તેની સાથે સમાન દરજ્જો ધરાવે છે.

અરજીમાં વિષેશમાં જણાવાયા મુજબ રવીન્દ્રનાથ ટાગોરે 1896માં કલકત્તા કોંગ્રેસ અધિવેશનમાં 'વંદે માતરમ' ગાયું હતું. પાંચ વર્ષ પછી, 1901 માં, કલકત્તામાં કોંગ્રેસના બીજા અધિવેશનમાં, દક્ષિણા ચરણ સેને વંદે માતરમ ગાયું. સરલા દેવી ચૌદુરાનીએ 1905માં બનારસ કોંગ્રેસના અધિવેશનમાં 'વંદે માતરમ' ગાયું હતું. લાલા લજપત રાયે લાહોરથી 'વંદે માતરમ' નામનું સામાયિક શરૂ કર્યું હતું.

પિટિશનમાં અંતમાં કહેવામાં આવ્યું છે કે દેશને એક રાખવા માટે 'જન ગણ મન' અને વંદે માતરમને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય નીતિ ઘડવી એ સરકારની ફરજ છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(8:07 pm IST)