Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

દેશમાં બાળકો માટેની વેક્સિન સપ્ટેમ્બરમાં આવવાની શક્યતા

બાળકો માટેની વેક્સિનનું બંને ટ્રાયલ સપ્ટે.માં પુરૃં થશે : ટ્રાયલ પુરૃં થવા સાથે તેને મંજૂરી મળશે, ફાઈઝરને પણ મંજૂરીની શક્યતા, બાળકોને વેક્સિનના બે વિકલ્પ મળશે

નવી દિલ્હી, તા. ૨૩ : બાળકો માટેની વેક્સીન સપ્ટેમ્બર મહિનામાં આવી શકે છે. એઈમ્સનું કહેવું છે કે, બાળકો પર વેક્સીનને લઈને ચાલી રહેલી બીજી-ત્રીજી ટ્રાયલ પૂર્ણ થયા બાદ સપ્ટેમ્બરમાં ૨થી ૧૮ વર્ષની ઉંમરના બાળકો માટેની વેક્સીન આવી જશે અને એ જ મહિનામાં મંજુરી પણ મળી જશે. બીજી તરફ, એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી કેટલાંક દિવસોમાં ફાઈઝર વેક્સીનને ભારતમાં મંજુરી મળી જશે અને આ વેક્સીન ૧૨થી ૧૮ વર્ષની ઉંમરના બાળકોને આપવામાં આવી શકે છે.

ફાઈઝરને મંજુરી મળી જાય અને સપ્ટેમ્બરમાં બાળકો માટેની વેક્સીન ઉપલબ્ધ થઈ જાય તો ૧૨થી ૧૮ વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સીનના બે વિકલ્પ હશે. પ્રાપ્ત જાણકારી મુજબ, ત્રીજી લહેરની આશંકા અને બાળકો પર જોખમને જોતા ફાઈઝરને થોડાં જ દિવસોમાં મંજુરી મળી શકે છે. જેને જુલાઈનાં મધ્ય કે અંતથી ૧૨થી ૧૮ વર્ષની ઉંમરના બાળકોને વેક્સીન અપાશે. અમેરિકામાં બાળકોને આ વેક્સીન આપવામાં આવી રહી છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, બીજી લહેરમાં ૧૨થી ૧૮ વર્ષની વચ્ચેની ઉંમરના જ બાળકો વધારે સંક્રમિત થયા હતા, એટલે તેઓને વેક્સીન આપવાની તાતી જરૂર છે.

ફાઈઝર રસીને લઈને કહેવામાં આવ્યું છે કે, તેને લઈને ભારત સરકાર સાથે ચાલી રહેલી વાતચીત અંતિમ તબક્કામાં છે અને ખૂબ જ જલ્દી ફાઈઝર રસીને મંજુરી મળી જશે. કોવેક્સીનની વાત કરવામાં આવે તો એઈમ્સમાં એની ટ્રાયલ ચાલી રહી છે. ૭ જૂનથી શરૂ થયેલી ટ્રાયલમાં પહેલાં ૧૨થી ૧૮ વર્ષની ઉંમરના બાળકોને ટ્રાયલ હેઠળ વેક્સીનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. એ પહેલાંના અઠવાડિયામાં ૬થી ૧૨ વર્ષની ઉંમરના બાળકો અને આવતીકાલથી ૨થી ૬ વર્ષની ઉંમરના બાળકોને ટ્રાયલ હેઠળ પહેલો ડોઝ આપવામાં આવશે.એઆઈઆઈએમએસના ડિરેક્ટર ડૉ.રણદિપ ગુલેરિયાએ જણાવ્યું કે, જો કે બાળકો પર વેક્સીનની ટ્રાયલ ચાલી રહી છે. જેના બીજા અને ત્રીજા ફેઝના પરિણામ સપ્ટેમ્બરમાં સામે આવશે અને સપ્ટેમ્બરમાં જ એને મંજુરી મળવાની સંભાવના છે. એ પછી બાળકો માટે આ વેક્સીન ઉપલબ્ધ થઈ જશે અને ઝડપથી બાળકોને વેક્સીન આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. ડૉ.ગુલેરિયાનું કહેવુ છે કે, એવા કોઈ પુરાવા સામે આવ્યા નથી કે જેના આધારે કહી શકાય કે ત્રીજી લહેરમાં બાળકોને વધારે ખતરો હશે. બાળકો પર એટલો જ ખતરો હશે કે જેટલો અન્ય લોકો પર હશે. તેમ છતાં પણ અમારા તરફથી તૈયારીઓ રાખવી જરૂરી છે.

(12:00 am IST)