Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

આજે પ્રશાંત કિશોર અને શરદ પવારની બંધબારણે મુલાકાત :15 દિવસમાં ત્રીજી બેઠકથી અનેક અટકળ

દિલ્હીમાં શરદ પવારના નિવાસે એક કલાક સુધી બંધ બારણે બેઠક ચાલી

નવી દિલ્હી : ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે આજે ફરી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતના એક દિવસ પહેલા આઠ વિપક્ષી દળના નેતાઓએ શરદ પવારના નિવાસ સ્થાન પર બેઠક યોજી હતી. સિવાય ખાસ વાત એ છે કે પ્રશાંત કિશોર અને શરદ પવારની પંદર દિવસની અંદર આ ત્રીજી મુલાકાત છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે શરદ પવાર અને પ્રશાંત કિશોર વચ્ચે એક કલાક સુધી બંધ બારણે બેઠક ચાલી છે. આ મુલાકાત શરદ પવારના દિલ્હી સ્થિત આવાસ પર યોજાઇ હતી. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીને જીત અપાવ્યા બાદ પ્રશાંત કિશોર પહેલા વખત 11 જૂનના દિવસે મુંબઇ આવ્યા હતા. જ્યારે તેમણે બપોરના સમયે શરદ પવાર સાથે તેમના નિવાસસ્થાન પર મુલાકાત કરી હતી. આ સિવાય ગત સોમવારે પણ તેમણે દિલ્હીમાં શરદ પવાર સાથે બેઠક કરી હતી.

આ બેઠકો બાદ જાત જાતના તર્કો અને અટકળો લાગી રહી છે. એક અટકળ પ્રમાણે આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષી દળોને ભાજપ સામે ત્રીજા મોરચો બનાવવા માટે આ બેઠકો ચાલી રહી છે. જેના ભાગરુપે મંગળવારે શરદ પવારે ઠ વિપક્ષી દળોના નેતા સાથે પણ બેઠક કરી હતી. જેમાં ટીએમસી, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ અને ડાબેરીઓ સામેલ હતા. જો કે આ બેઠકમાં ભાગ લેવા આવેલા નેતાઓએ જણાવ્યું હતું કે આ એક બિન રાજનૈતિક મુલાકાત હતી.

(12:00 am IST)