Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

એક સાથે 10 બાળકોને જન્મ આપ્યો હોવાનો મહિલાનો દાવો ખોટો : પોલીસે કરી ધરપકડ

દક્ષિણ આફ્રિકાની ગોસીયામી નામની 37 વર્ષની આ મહિલાને તેના સંબંધીના ઘરેથી પકડી મનોરોગ વોર્ડમાં ભરતી કરી દેવાઈ :

નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકાની એક મહિલાએ થોડા દિવસો પહેલા દાવો કર્યો હતો કે તેણે એક સાથે 10 બાળકોને જન્મ આપ્યો છે. આ મહિલાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. આ સમાચાર જેણે પણ સાંભળ્યા હતા તે બધા ચોંકી ઉઠ્યા હતા કે કેવી રીતે આ મહિલાએ 10 બાળકોને એક સાથે જન્મ આપ્યો હશે.

આ મહિલાને લઈને હવે નવા સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે 10 બાળકોને જન્મ આપવાની વાત સાવ ખોટી છે. તેણે પોતે આ આખી ઘટનાને ઉપજાવી હતી. પોલીસે આ મહિલાની જુઠી અફવા ફેલાવવા બદલ ધરપકડ કરી અને તેને મનોરોગ વોર્ડમાં ભરતી કરી દેવામાં આવી છે. ગોસીયામી નામની 37 વર્ષની આ મહિલાને તેના સંબંધીના ઘરેથી પકડી લેવામાં આવી છે.

આ મહિલાના પતિ તેબોહો સોતેત્સીએ દાવો કર્યો છે કે જ્યારથી બાળકોના જન્મની વાત થઈ છે, ત્યારથી ન તો તેની પોતાની પત્ની સાથે કોઈ વાત થઈ છે અને ન તો તેણે પોતાના બાળકોને જોયા છે. તેબોહો સોતેત્સીએ જણાવ્યુ કે તેની પત્ની ગોસિયામી તેને પોતાની લોકેશન વિશેની માહિતી નથી આપી રહી. દક્ષિણ આફ્રિકાની નેશનલ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થનું કહેવુ છે કે, તેમણે 10 બાળકોના જન્મની વાતને લઈને તપાસ કરી છે, પરંતુ તેમને આ વાતના કોઈ પણ પુરાવા મળ્યા નથી.

દક્ષિણ આફ્રિકાની લોકલ મીડિયાનું કહેવું છે કે આ મહિલાએ 10 બાળકને જન્મ આપ્યો છે, પરંતુ હોસ્પિટલ પોતાની બેદરકારીને છુપાવવા માટે આ મહિલાને ફસાવાનું કાવતરું રચી રહી છે. જો કે આ મીડિયા કંપનીઓ પણ આ બાળકોના હોવાને લઈને કોઈ પુરાવા રજૂ કરી શકી નથી. સમગ્ર ઘટના પર આ મહિલાના વકીલનું કહેવુ છે કે, તેમને પોતાની મરજી વિરુદ્ધ જબરદસ્તી મેન્ટલ હોસ્પિટલમાં રાખવામાં આવી રહ્યા છે. તેઓ પોતાની આઝાદી માટે કોર્ટમાંથી ઓર્ડર લેવા માટે અરજી પણ કરશે.

(12:00 am IST)