Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ગુસ્‍સો કાયમી હતાશા આપી જાય છે તેને યથાર્થ ઠેરવતો કિસ્‍સો સામે આવ્‍યો : ગુસ્‍સામાં ડુમકા ગામમાં પતિને ગુસ્‍સામાં પત્‍નીનું ઢીમ ઢાળી દીધું

વ્યક્તિ ગુસ્સા કે ઉશ્કેરણીમાં આવીને એવું પગલું ભરી બેસે છે જેના કારણે આખી જિંદગી માથે દઈને રડવાનો વારો આવે છે. થોડા સમયનો ગુસ્સો કાયમી હતાશા આપી જાય છે એવા અનેક કિસ્સાઓ સમાજમાંથી સામે આવ્યા છે. ક્ષણિક ઝઘડો કાયમી ખાલીપામાં ફેરવાઈ જાય છે અને કાયદાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે એ જુદુ. ધાનપુર તાલુકાના ડુમકા ગામે પતિ-પત્ની વચ્ચે તકરાર થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં પતિએ ઉશ્કેરણીમાં આવી પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું. બાળકોને મારવા બાબતે ઝઘડો થતા પતિને ગુસ્સો આવ્યો અને પત્નીની હત્યા કરી નાંખી.

ડુમકા ગામના વિક્રમભાઈ ઉર્ફે લાલાભાઈ પસાયાના લગ્ન દેવગઢ બારિયા તાલુકાના પુવાળા ગામના મીનાબેન સાથે થયા હતા. સંતાનમાં એક પુત્રી અને ત્રણ દીકરા છે. શનિવારે સાંજે પાંચ વાગ્યા આસપાસ બાળકો મસ્તી-તોફાન કરતા હતા. મજાકમાં ઝઘડતા હતા. એ સમયે મીનાબેને બાળકોને એક થપ્પડ મારી હતી. એ સમયે પતિ લાલાભાઈ અચાનક ઉશ્કેરાઈ જતા નજીકમાં પડી રહેલા લાકડા વડે પત્નીને મોટા ફટકા મારી દેતા પત્નીનું ઘરમાં જ મૃત્યુ થયું હતું. ઘટનાને અંજામ આપી પતિ લાલો ઘરેથી નાસી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ ધાનપુરા પોલીસ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક મીનાબેનના પીયર પક્ષને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ધાનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. મૃતકના પિતા ગોવિંદભાઈ કાનાભાઈ ભાભોરે પોતાના જમાઈ વિક્રમ ઉર્ફે લાલાભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ધાનપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. ઘટના બન્યા બાદ ગણતરીના કલાકમાં જ ધાનપુરા પોલીસે આરોપી પતિને ઝડપી પાડ્યો છે.

ચાર સંતાનની માતાનું મોત થતા પરિવારમાં માતમનો માહોલ છે. આસપાસમાંથી પણ લોકો એના ઘર સુધી દોડી ગયા હતા. પતિ ખેતી અને મજુરીકામ કરીને ગુજરાન ચલાવતો હતો. મીનાબેન બાળકોને શાંત કરવા જતા ગુસ્સે ભરાયેલા પતિએ આ પગલું ભર્યું હતું. માથાના ભાગે લાકડાના કટકાથી ફટકા મારતા મીનાબેન ત્યાં જ ઢળી પડ્યા હતા. પત્નીનું મૃત્યુ થતા જ પતિ ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા માટે તજવીજ શરૂ કરી છે.

(12:00 am IST)