Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ઈંધણ ભડકે બળે છેઃ પેટ્રોલનો ભાવ ૧૨૫ થવા ચેતવણી

આજે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવઃ રાજસ્થાનમાં પેટ્રોલનો ભાવ ૧૧૦ રૂ. પ્રતિલીટરની નજીકઃ અનેક શહેરોમાં ડીઝલનો ભાવ પણ ૧૦૦ રૂ. ઉપર : મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૧૦૩.૮૯ રૂ. થઈ ગયોઃ છેલ્લા ૫૦ દિવસમાં પેટ્રોલ ૨૯ વખત મોંઘુ થયું: એ દરમિયાન પેટ્રોલના ભાવમાં રૂ. ૭.૩૬ તો ડીઝલમાં ૭.૫૭ રૂ. વધી ગયા

નવી દિલ્હી, તા. ૨૪ :. પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. પ્રજાને ડામ આજે પણ લાગ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં ૨૬ પૈસા તો ડીઝલના ભાવમાં ૭ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ૪થી મેથી અત્યાર સુધી કટકે કટકે ૩૦ દિવસમાં ડીઝલના ભાવમાં રૂ. ૭.૫૨ તો પેટ્રોલમાં રૂ. ૭.૪૪નો વધારો થયો છે. ૮ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર, તેલંગણા, કર્ણાટક, જમ્મુ કાશ્મીર અને લદાખમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂ. ઉપર છે. એટલુ જ નહિ મહાનગરો જેમ કે મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોરમા પેટ્રોલ પહેલેથી જ ૧૦૦ રૂ.ની પાર ચાલ્યુ ગયુ છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ ૧૦૮.૯૪ તો ડીઝલનો ભાવ ૧૦૧.૪૮ રૂ. થઈ ગયો છે. એવામાં નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ સતત વધતો રહેશે તો પ્રજાએ પેટ્રોલ પર ૧૨૫ રૂ. સુધી ખર્ચ કરવા માટે તૈયાર રહેવુ પડશે. જે રીતે ભાવ વધી રહ્યા છે તે જોતા પ્રજાને રાહત મળે તેમ લાગતી નથી. એટલુ જ નહિ ડીઝલના ભાવ વધ્યા બાદ રોજીંદી ચીજવસ્તુઓના ભાવ ભડકે બળવા લાગ્યા છે.

છેલ્લા ૧ મહિનામાં ક્રૂડ ઓઈલનો ભાવ લગભગ ૧૨ ટકા વધ્યો છે. આ દરમિયાન ૪ મે બાદ અત્યાર સુધીમાં ૫૦ દિવસમાં પેટ્રોલ ૨૯ વખત મોંઘુ થયુ છે. ૨૯ વારમાં પેટ્રોલ ૭.૩૬ તો ડીઝલ ૭.૫૭ રૂ. મોંઘુ થયુ છે.

૪ મેથી સતત વધારા બાદ અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂ. પ્રતિ લીટર થઈ ગયો છે. જેમાં મુંબઈ, રત્નાગીરી, ઔરંગાબાદ, જેસલમેર, ગંગાનગર, હૈદરાબાદ, લેહ, બાસવાડા, ઈન્દોર, જયપુર, ભોપાલ, ગ્વાલીયર, ગુંટુર, કાકીનાડા, ચીકમંગલુર, શિવમોગા અને લેહનો સમાવેશ થાય છે.

કોમોડીટી બજારના જાણકાર અને કેડીયા કોમોટીઝના વડા અજય કેડીયા જણાવે છે કે ન્યુકલીયર ડીલને લઈને ઈરાન અને અમેરીકા વચ્ચે કોઈ સમજુતી ન થવાથી ક્રૂડ ભડકે બળી રહ્યુ છે. ભારતના હિસાબથી જોઈએ તો જો ક્રૂડના ભાવમાં અત્યારથી ૨૫ ડોલરનું તેજી આવે તો પેટ્રોલનો ભાવ ૧૨૫ રૂ. થઈ શકે તેમ છે. તેમણે કહ્યુ છે કે જો આ જ રીતે તેજીનો દોર ચાલુ રહે તો આવતા એક મહિનામાં પેટ્રોલ ૧૧૦ના આંકડાને પાર થઈ જશે. અત્રે નોંધનીય છે કે ભારતમા ખાદ્યતેલ અને ક્રૂડની સૌથી વધુ આયાત થાય છે.

આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૯૭.૭૬ તો ડીઝલ ૮૮.૩૦નુ થયુ છે. મુંબઈમાં પેટ્રોલ ૧૦૩.૮૯ તો ડીઝલ ૯૫.૭૯ થયુ છે. કોલકતામાં પેટ્રોલ ૯૭.૬૩ અને ડીઝલ ૯૧.૧૫ થયુ છે. આજે ઓઈલ કંપનીઓએ ડીઝલના ભાવમાં ૭ પૈસા તો પેટ્રોલના ભાવમાં ૩૦ પૈસા વધાર્યા છે.

(10:34 am IST)