Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

અપીલના કેસનું પણ સ્ટેટસ જાણ્યા બાદ જ કાર્યવાહી કરવા સૂચના

આકારણી બાદ વેટની નોટિસ ફટકારતા પહેલાં પૂરતી તપાસ કરવાનો આદેશ

SGST કમિશનરે તાત્કાલિક વીડિયો કોન્ફરન્સ યોજી વેપારીઓની હેરાનગતિ દૂર કરી

નવી દિલ્હી,તા. ૨૪ : વેટમાં આડેધડ આકારણી કર્યા બાદ નાણાંની વસૂલાત કરવા માટે પુરતી ચકાસણી કર્યા વિના જ વેપારીઓને નોટિસ ફટકારવાના મામલે ભારે ઉહાપોહ મચ્યા બાદ સ્ટેટ જીએસટી કમિશનરે તમામ જોઇન્ટ કમિશનર અને સ્પેશિયલ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજી પૂરતી તપાસ કર્યા બાદ જ વેપારીને નોટીસ આપવા આદેશ કર્યો છે. તેમજ વેપારીઓને કરવામાં આવતી ખોટી રીતની હેરાનગતિ પણ દૂર કરવા માટે તાકીદ કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.

જીએસટી લાગુ થયા પહેલામાં અમલમાં રહેલા વેટના કેસના નાણા વસૂલવા માટે મંગળવારે સવારથી જ આડધેડ નોટીસ ફટકારવામાં આવી હતી. તેમાં મોટાભાગના કિસ્સમાં નાણા ભરપાઇ થઇ ગયા હોય અથવા તો અપીલના કેસ ચાલી રહ્યા હોય તેવા કેસમાં પણ નાણા ભરવા માટે નોટીસ આપી હતી. જ્યારે અપીલના કેસમાં નાણા ભરવા માટે નો ઓર્ડર થયા બાદ પણ મસમોટી રકમના બદલે નાની રકમ ભરવાનો આદેશ કરવામાં આવ્યા પછી પણ સ્ટેટ જીએસટીના અધિકારીઓએ બેંક એટેચમેન્ટ મૂકી દીધુ હતું. ઉઠતા રાજ્યના જીએસટી કમિશનરને સ્ટેટ બાર એસોસિએશનના નેજા હેઠળ રજૂઆત કરવામાં આવી હતી.

જેના પરિણામ સ્વરૂપે આજે સવાર જ સ્ટેટ જીએસટી કમિશનરે તમામ જિલ્લાના જોઇન્ટ કમિશનર અને સ્પેશિયલ કમિશનર માધ્યમથી બેઠક યોજી હતી. આ બેઠકમાં પૂરતી તપાસ કર્યા બાદ જ નોટીસ આપવા તાકીદ કરવામાં આવી છે.

  • વેપારી સામે પગલા લેતા પહેલાં જાણ કરવા સૂચના

અપીલના કેસમાં પણ પૂરતી તપાસ કરવામાં આવ્યા પછી જ કાર્યવાહી કરવા જણાવ્યું છે. વેપારી સામે કોઇ પણ પ્રકારના પગલાં ભરતા પહેલા તેની જાણ કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. જ્યારે ટેકસ કન્સલ્ટન્ટની સાથે સાથે વેપારી સાથે પણ યોગ્ય વર્તન કરવામાં નહીં આવે તેવી પણ ફરિયાદ મળી તો કર્મચારી કે અધિકારી સામે પણ શિક્ષાત્મક પગલાં ભરવા માટેનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.

(10:44 am IST)