Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ટ્રાફિકના ઇ-મેમો નોટીસ રદ્દ કરવા 'યુવા લોયર્સ એસો' દ્વારા કોર્ટમાં જાહેરહિતનો દાવો

સિવિલ - ફોજદારી બાદ પ્રજાજનોના હિતમાં કાર્યવાહી : રાજકોટના લોકોને પક્ષકાર તરીકે જોડવા વકીલોની અપીલ : સી.સી.કેમેરાનો દુરૂપયોગ કરી પ્રજાને કરાતા ગેરકાયદે દંડ અંગે વળતર મળવા માંગણી : કેમેરા દ્વારા દંડ વસુલ કરવા ઇ-મેમો ઇસ્યુ કરવા પોલીસને સત્તા કે અધિકાર નથી : પોલીસ કમિશનર, આસી.પો.કમિ. (ટ્રાફિક)ને કોર્ટ દ્વારા નોટીસ અપાઇ

રાજકોટ તા. ૨૪ : છેલ્લા ઘણા સમયથી રાજકોટ અને ગુજરાતની પ્રજા છેલ્લા ઘણા સમયથી રાજમાર્ગો પર સી.સી.ટી.વી. કેમેરાઓ લગાડવામાં આવેલ છે તે કેમેરાઓનો ઉપયોગ વાહનચાલકો-પ્રજાજનો વિરૂધ્ધ કરવામાં આવી રહેલ છે. ખરી હકીકતે સી.સી.ટી.વી કેમેરાઓ નાખવાનો ઉદેશ લોકોના જાન-માલના રક્ષણ કરવા માટે અને ગેરકાયદેસર પ્રવૃતીઓ, દબાણો અટકાવવા માટે હતો પરંતુ આ સી.સી.ટી.વી. કેમેરાઓનો. ઉપયોગ ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને હેરાન પરેશાન કરી અને ખુબજ મોટા સમાધાન શુલ્કના નામે મેમો આપીને ટ્રાફીક પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા બંધારણીય અધીકારોનો ભંગ થાય તેવી અન્યાયી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. જે અંગે એશો. દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ રાજકોટના યુવા લોયર્સના કન્વીનર હેમાંશુ પારેખ તથા ક્ષત્રીય આગેવાન એડવોકેટ ગીરીરાજસિંહ જાડેજા દ્વારા પોતાને મળેલ અલગ અલગ ઈ-મેમો (ટ્રાફીક વાયોલેશન નોટીસ) રદ કરવા માટે રાજકોટની અદાલતમાં ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવેલ જેમાં અદાલતે ફરીયાદ રજીસ્ટરે લઈ (૧) કમીશ્નર ઓફ પોલીસ રાજકોટ (૨) આસીસ્ટંટ કમીશ્નર ઓફ પોલીસ (ટ્રાફીક) (૩) કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ના જવાબદાર અધિકારીશ્રીને નોટીસ કરી અદાલતમાં જવાબ રજુ રાખવા માટે જણાવેલ હતું.

જેમાં એ.સી.પી. ટ્રાફીક દ્વારા અદાલતમાં હાજર થઈ સરકારી વકીલશ્રી મારફત જવાબ રજુ રાખવામાં આવ્યો છે અને જે અંગે આગળ કોર્ટ કાર્યવાહી માટે અદાલતમાં કેસ પેન્ડીંગ છે.

રાજકોટ પોલીસ દ્વારા માત્રને માત્ર રેવન્યુ એકઠી કરવાના એકમાત્ર હેતુથી રાજકોટની જાહેર જનતાને જે રીતે ટ્રાફીક નીયમન ભંગના ઓઠા હેઠળ ગેરકાયદેસર રીતે ઈ-મેમો, મોકલવામાં આવે છે તેને પડકારવાં રાજકોટના બે વિદ્વાન ધારાશાસ્ત્રીઓ હેમાંસુ પારેખ તથા ગીરીરાજસિંહ જાડેજાએ રાજકોટના સીનીયર એડવોકેટ શ્રી કે.ડી.શાહ તથા સંજય શાહ મારફત રાજકોટના સીનીયર સીવીલ જજ શ્રીની કોર્ટમાં આવા ઇ-મેમો, ઇ-ચલણ, નોટીસની પ્રક્રિયાને ગેરકાયદેસર ઠેરવવાને માટે રી-પ્રેઝન્ટેટીવ સ્યુટ દાખલ કરેલ છે. સદરહું દાવામાં રાજકોટ શહેરની જાહેર જનતાને વાદી પક્ષકાર તરીકે જોડવા માટે કે.ડી. શાહ દ્વારા આથી અપીલ કરવામાં આવેલ છે.

સદરહું દાવામાં યુવા લોયર્સ એશો.ના એડવોકેટો દ્વારા ઈ-મેમો, ઈ-ચલણની પ્રકીયા ગેરકાયદેસર ઠેરવવા કરાયેલ દાવાની વિગતો ધ્યાને લઈ અદાલત દ્વારા દાવાના પ્રતીવાદીઓ, પોલીસ કમીશ્નરશ્રી રાજકોટ, આસી. પો. કમી. (ટ્રાફીક) મ્યુ, પોલીસ કમીશ્નરશ્રી, રાજકોટ વિગેરેને દાવાનો જવાબ આપવા અદાલતમાં હાજર થવા સમન્સ/નોટીસ ઈસ્યુ કરેલ છે.

દાવા અરજીમાં અલગ અલગ ઈ-મેમો સંબંધીત કાર્યવાહીની અને પ્રજાના પ્રશ્નોની રજુઆત કરવામાં આવેલ છે જેમાં જણાવેલ કે, રાજકોટના પ્રજાજનોની શાંતી, સલામતી અને સુખાકારી તથા ટ્રાફીક નિયમનની સંયુકત અને વિભકત જવાબદારી હોવા છતાં ટ્રાફોક નિયમન અને ટ્રાફીકના નિયમોનુ ઉલ્લંઘન કરવાના ઓઠા હેઠળ જે કાંઈ ગેરકાયદેસર રીત,રસમો અપનાવી અને ગેરકાયદેસર કાર્યવાહીઓ કરવામાં આવે છે તે તમામ ગેરકાયદેસર કાર્યવાહીઓ અમો વાદીઓ રાજકોટના પ્રજાજનો હોઈએ તેથી અમોને પણ સ્પર્શતી હોય, પ્રતિવાદીઓ દ્વારા આચરવામાં આવતી ગેરકાયદેસરતા અને ગેરકાયદેસર રીત-રસમો પરત્વે વિજ્ઞાપન અને  કાયમી મનાઇ હુકમ મળવવા વાસ્તના દાવો કોર્ટ સમક્ષ દાખલ કરવાની અમારે ફરજ પડેલ છે.

આ કામમાં અરજદાર દ્વારા અદાલતમાં માંગણી કરવામાં આવેલ છે કે, આ કામના પ્રતિવાદીઓ ધ્વારા સી.સી.ટી.વી.સવે લન્સ કેમેરા દ્વારા ટ્રાફીક નિયમનના ભંગ બદલ ઈ-ચલણ કે ઈ-મેમો ઈસ્યુ કરવાની કોઈ સત્તા કે અધીકાર નથી કે તેના દ્વારા દંડ વસુલ કરવાની કોઈ સત્તા કે અધીકાર નથી તથા આજ દિવસ સુધીમાં ઈસ્યુ કરવામાં આવેલ આવા ઇ-મેમો કે ઈ-ચલણ કાયદાકીય જોગવાઈ વગર ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે, તથા આ કામના પ્રતિવાદીઓને ટ્રાફીક નિયમન ભંગ બદલનો ગુન્હો સાબીત થયા વગર કોઈપણ પ્રકારના ઈ-મેમો કે ઈ-ચલણ ઈસ્યુ કરવા કોઈ સત્તા કે અધીકાર નથી તેવુ ઠરાવી આપવા સહીતની દાદ માંગવામાં આવેલ હતી.

આ કાનુની કામગીરી માટે યુવા લોયર્સની સીનીયર જુનીયર એડવોકેટની વિશાળ ટીમ પ્રમુખ- કિરીટ નકુમના માર્ગદર્શન નીચે સતત કાર્યશીલ છે. રાજકોટ શહેરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, ઈ-મેમો સંદર્ભે દાખલ કરવામાં આવેલ દાવામાં જો કોઈ વ્યકિત વાદી-પક્ષકાર તરીકે જોડાવાં માંગતા હોય તો તેઓએ એડવોકેટ - કે.ડી.શાહ મો. ૯૪૨૭૨ ૨૦૯૭૩ તથા એડવોકેટ - સંજય શાહ મો. ૯૪૨૬૪ ૬૦૪૦૩નો સંપર્ક કરવા જણાવાયું છે.

(10:57 am IST)