Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

PM સાથે કાશ્મીરના નેતાઓની બપોરે બેઠક : LoCથી લાલ ચોક સુધી હાઇએલર્ટ

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબુદ થયા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ અને કાશ્મીરના ૮ પક્ષોના ૧૪ નેતાઓ સાથે વાતચીત કરશે : આ બેઠક દિલ્હીમાં પીએમ નિવાસસ્થાને બપોરે ૩ વાગ્યે શરૂ થઇ રહી છે

નવી દિલ્હી તા. ૨૪ : જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ અને કાશ્મીરના ૮ પક્ષોના ૧૪ નેતાઓ સાથે વાતચીત કરશે. આ બેઠક દિલ્હીમાં પીએમ નિવાસસ્થાને બપોરે ૩ વાગે યોજાશે. બેઠકમાં ગુલામ નબી આઝાદ, ફારુક અબ્દુલ્લા, મહેબૂબા મુફતી ઉપરાંત ઉમર અબ્દુલ્લા, કવીન્દ્ર ગુપ્તા, નિર્મલ સિંહ, રવિન્દ્ર રૈના જેવા દિગ્ગજ નેતાઓ સામેલ થઈ શકે છે. હાલ બેઠકનો એજન્ડા ગુપ્ત રાખવામાં આવ્યો છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી જમ્મુ અને કાશ્મીરના વિકાસ સહિત પરિસીમન અને અન્ય મુદ્દાઓ પર સ્થાનિક નેતાઓ સાથે વાતચીત કરશે.

પીએમ મોદી અને જમ્મુ કાશ્મીરના નેતાઓ વચ્ચે દિલ્હીમાં થનારી આ સર્વપક્ષીય બેઠક અગાઉ કાશ્મીર ઘાટીમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને એલઓસીથી લઈને લાલચોક સુધી કડક નિગરાણી રાખવામાં આવી રહી છે. જમ્મુ અને કાશ્મીરના હાલાત પર કેન્દ્રીય એજન્સીઓની પણ બાજ નજર છે. સુરક્ષા એજન્સીઓએ આશંકા વ્યકત કરી છે કે પીએમ મોદી સાથે થનારી આ બેઠક અગાઉ આતંકીઓ કોઈ વારદાતને અંજામ આપવાની કોશિશ કરી શકે છે. આ ઉપરાંત પાકિસ્તાન તરફથી પણ નિયંત્રણ રેખા પર કોઈ નાપાક હરકત થઈ શકે છે. બેઠકમાં પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હા, એનએસએ અજીત ડોભાલ, પીએમના પ્રિન્સિપલ સેક્રેટરી પી કે મિશ્રા, ગૃહ સચિવ અજય ભલ્લા ઉપરાંત કેટલાક અન્ય અધિકારીઓ પણ સામેલ થઈ શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જમ્મુ કાશ્મીરના નેતાઓ વચ્ચે થનારી આ બેઠકનો એજન્ડા હાલ તો ગુપ્ત રાખવામાં આવ્યો છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી જમ્મુ અને કાશ્મીરના વિકાસ સહિત પરિસીમન અને અન્ય મુદ્દાઓ પર સ્થાનિક નેતાઓ સાથે વાતચીત  કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠકમાં સામેલ થવા માટે નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા, કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, અહેમદ મીર, તારાચંદ, પીડીપીના નેતા મહેબૂબા મુફતી, ભાજપના નિર્મલ સિંહ, કવિન્દ્ર ગુપ્તા, અને રવિન્દ્ર રૈના, પીપલ્સ કોન્ફરન્સના મુઝફફર બેગ અને સજ્જાદ લોન, પેન્થર્સ પાર્ટીના ભીમ સિંહ, સીપીઆઈએમના એમવાય તારીગામી અને જેકે અપની પાર્ટીના અલ્તાફ બુખારીને આમંત્રણ અપાયું છે.

(11:34 am IST)