Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ટીમ ઈન્ડિયાનું સપનુ ચકનાચુરઃ હવે નં.૧નો તાજ પણ ગુમાવશે

બીજી ઈનિંગમાં બેટીંગ બાદ બોલીંગમાં પણ ડબલાડૂલઃ કહેવાતા 'શેર' ફેઈલ : વિરાટે ટીમની પસંદગીમાં ભારે ભુલો કરી, સિરાજને પ્લેઈંગ ઈલેવનમાં સમાવવાની જરૂર હતીઃ રોહિત, પૂજારા, રાહણે, પંતે બેટીંગમાં અને બોલીંગમાં બુમરાહે નિરાશ કર્યાઃ કરોડો ક્રિકેટ પ્રેમીઓના ઉજાગરા માથે પડયા

નવી દિલ્હીઃ સાઉથેમ્પટનના મેદાન પર ટીમ ઈન્ડિયાની છેલ્લા બે વર્ષોની મહેનત ધોવાઈ ગઈ. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમ ને હારનો સામનો કરવો પડ્યો. ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયા ને ૮ વિકેટથી હરાવી દીધું. ભારતીય ટીમે છેલ્લા બે વર્ષમાં શાનદાર પ્રદર્શન કરી પોઇન્ટ ટેબલમાં પહેલો નંબર પ્રાપ્ત કર્યો હતો અને તે ફાઇનલ જીતવા માટે દાવેદાર પણ હતી, પરંતુ હંમેશાની જેમ છેલ્લી ઘડીએ તેના દિગ્ગજ ખેલાડીઓએ નિરાશ કર્યા. કરોડો ક્રિકેટ પ્રેમીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે.

 કેપ્ટન વિરાટ કોહલીને  ટીમ ઈન્ડિયાની હારનો પહેલો ગુનેગાર કહેવામાં કંઈ ખોટું નથી.  કોહલીએ પ્લેઇંગ ઇલેવનના સિલેકશન અને બેટિંગમાં ભૂલો કરી ભારતને જીતથી દૂર કર્યું. સાઉથેમ્પટનની લીલી પીચ પર બે સ્પિનર ઉતાર્યા. જાડેજા અને અશ્વિનને બદલે મોહમ્મદ સિરાજ કે વધારાનો બેટ્સમેનની પસંદગી કરવાની જરૂર હતી. પરંતુ કોહલી પોતાની રણનીતિ પર કાયમ રહ્યો. ત્યારબાદ બેટ્સમેન તરીકે પણ કોહલી ફ્લોપ રહ્યો. પહેલી ઇનિંગમાં ૪૪ રન કર્યા પરંતુ તેની બેટિંગમાં એ વાત નહોતી. બીજી ઇનિંગ તે માત્ર ૧૩ રન કરી શકયો.

રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ ફાઇનલ મેચમાં રોહિત સારી શરૂઆત બાદ મોટી ઇનિંગ ન રમી શક્યો. રોહિતે પહેલી ઇનિંગમાં ૩૪ અને બીજી ઇનિંગમાં ૩૦ રન કર્યા. મુશ્કેલ સમયમાં તેણે સારી બેટિંગ કરી પરંતુ જયારે તે ક્રીઝ પર સેટ થઈ ગયો હતો ત્યારબાદ તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી. પરિણામ એ આવ્યું કે ભારતને હારનો સ્વાદ ચાખવો પડ્યો.

ચેતેશ્વર પૂજારાએ WTCની ફાઇનલ ઉપરાંત સમગ્ર ટૂર્નામેન્ટમાં નિરાશ કર્યા. ફાઇનલની વાત કરીએ તો પૂજારા પહેલી ઇનિંગમાં ૮ અને બીજી ઇનિંગમાં ૧૫ રન જ કરી શક્યો. પૂજારા ક્યારે પણ ક્રીઝ પર મક્કમ ન જોવા મળ્યો. જેના કારણે બીજા બેટ્સમેનો પર દબાણ વધ્યું. આ ઉપરાંત તેણે ન્યૂઝીલેન્ડના અનુભવી બેટ્સમેન રોસ ટેલરનો કેચ છોડ્યો. આ કેચ ભારત માટે નિર્ણાયક સાબિત થઈ શકે એવો હતો. નોંધનીય છે, સમગ્ર ચેમ્પિયનશીપમાં પૂજારાએ ૧૮ ટેસ્ટ મેચોમાં માત્ર ૨૮.૦૩ની સરેરાશથી ૮૪૧ રન કર્યા છે.

પંતે WTCમાં શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ ફાઇનલમાં તેની એ જ ભૂલો સામે આવી જેની હંમેશા ટીકા થતી રહેતી હોય છે. પંતે ફાઇનલની બંને ઇનિંગમાં પોતાની વિકેટ ખુબ જ ખરાબ શોટ મારીને ગુમાવી. પહેલી ઇનિંગમાં તે ખરાબ બોલમાં આઉટ થયો. તો બીજી ઇનિંગમાં પંતે ૪૧ રન કર્યા પરંતુ ફરી એક વાર ખરાબ શોટ રમીને મહત્ત્વના સમયે આઉટ થઈ ગયો. પંત આઉટ થતાં જ લોઅર ઓર્ડર ધ્વસ્ત થઈ ગઈ.

જસપ્રીત બુમરાહને ભારતનો સૌથી મોટો સ્ટ્રાઇક બોલર માનવામાં આવે છે પરંતુ તે WTC ફાઇનલ ફ્લોપ સાબિત થયો. બુમરાહ ફાઇનલમાં એક પણ વિકેટ ન લઈ શક્યો. બુમરાહ યોગ્ય લાઇન અને લેન્થ પ્રાપ્ત ન કરી શક્યો જેના કારણે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને ક્રીઝ પર સેટ થવાની તક મળી.

(3:24 pm IST)