Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

કોરોના કટોકટી દરમ્યાન

આર્થિક સહયોગ આપી દોસ્તી અને માનવતાનો હૂબહૂ પરિચય આપતા વિદેશી સહેલાણીઓ

જેસલમેરમાં વસતા ગાઇડસ, લોક કલાકારો, હોટલ કર્મચારીઓ વિગેરે પ્રવાસન ક્ષેત્રે જોડાયેલ લોકો માટે હજજારો રૂપિયા મોકલ્યા : વિદેશી ભાષાના નિષ્ણાંત ગાઇડસ-મિત્રો જેસલમેરથી સતત વિદેશી મિત્રોના સંપર્કમાં છે

રાજકોટ તા. ર૪ :.. છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. લાખો લોકોના મૃત્યુ થયા છે. તો કરોડો લોકો સંક્રમિત થયા છે અને સાજા પણ થઇ ગયા છે. કોરોનાને કારણે વિવિધ ક્ષેત્રે ગંભીર અસર પડી છે. જેમાં પ્રવાસન ઉદ્યોગને ખૂબ મોટૂં નુકસાન થયું છે. ટૂરીઝમ ઇન્ડસ્ટ્રીઝની કરોડરજજુ તૂટી ગઇ છે તેમ કહીએ તો પણ ખોટું નથી. ભારતમાં ટુરીઝમ ક્ષેત્રે સંકળાયેલા કરોડો લોકોની આર્થિક સ્થિતિ ઉપર પણ કોરોનાએ નકારાત્મક અસર પહોંચાડી છે. લોકો પ્રવાસન ક્ષેત્રને લગતી પોતાની મૂળ આર્થિક પ્રવૃતિ છોડીને અન્ય બિઝનેસ-સર્વિસ તરફ વળવા લાગ્યા છે.

આવા કપરા સમય વચ્ચે દર વર્ષે લાખો - કરોડો સહેલાણીઓ જયાં ફરવા માટે આવે છે તે ભારતના રાજસ્થાન રાજયમાં આવેલ જેસલમેર ખાતેના પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકો (ગાઇડસ, લોક કલાકારો, હોટલ કર્મચારીઓ વિગેરે) ને વિદેશી સહેલાણીઓ આર્થિક સહયોગ આપી રહ્યા છે. આ આર્થિક સહયોગરૂપે તેઓ દોસ્તી અને માનવતાનો હૂબહૂ પરિચય આપી રહ્યા છે.

કોરોનાને કારણે ફેબ્રુઆરી-ર૦ર૦ પછી મોટાભાગે વિદેશી પ્રવાસીઓનું આગમન જેસલમેરમાં જોવા મળ્યું નથી. આ કારણ હોવા છતાં પણ હજજારો કિલો મીટર દૂર બેઠેલા વિદેશીઓ કે જેઓએ ભૂતકાળમાં જેસલમેરનો યાદગાર પ્રવાસ કર્યો હોય તેમાના ઘણાં લોકોએ દોસ્તી અને માનવતાની મિશાલરૂપે જેસલમેર પર્યટન ક્ષેત્ર સાથે સંકળાયેલ મિત્રો તથા પરિચિતોને આર્થિક સહયોગ આપ્યો હોવાનું જાણવા મળે છે. અલગ દેશ અને અલગ સભ્યતા - સંસ્કૃતિ ધરાવતા વિદેશી સહેલાણીઓએ માનવતા અને ઉદારતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૃં પાડયું છે.

જાણવા મળતી માહિતી મુજબ વિદેશી  સહેલાણીઓએ ડઝનબંધ ગાઇડસ, લોક કલાકારો, હોટલના કર્મચારીઓ વિગેરેને ઘર બેઠા આર્થિક સહયોગ પુરો પાડયો છે. આ આર્થિક સહયોગ પાંચ - આઠ હજારથી લઇને પચાસ હજારથી લાખો રૂપિયા સુધીનો હોવાનું સંભળાઇ રહ્યું છે.

એવું પણ જાણવા મળે છે કે જેસલમેરમાં અંગ્રેજી સહિત અન્ય વિદેશી ભાષાઓના નિષ્ણાંત ગાઇડસના ફોરેનમાં અનેક મિત્રો છે. આ લોકો સતત સંપર્કમાં રહે છે અને પોતપોતાના દેશો ઉપરાંત ગૃહનગરોના સંદર્ભમાં કોરોના (કોવીડાવ) ની સ્થિતિ અને જાણકારી અરસ-પરસ આપતા રહે છે. ઉપરાંત વેકિસનેશન તથા કોરોનાથી રક્ષણ - બચાવના સંદર્ભમાં થતી પ્રવૃતિઓની જાણકારી પણ વિદેશી સહેલાણીઓને પોતાના મિત્રો દ્વારા મળતી રહે છે.

બસ હવે ટૂંક સમયમાં સરકારના નિયમ મુજબ પ્રવાસન ઉદ્યોગ પહેલાની જેમ જ ધમધમતો થઇ જાય તેની કરોડો લોકો કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

(3:23 pm IST)