Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ત્રીજી લહેરમાં પણ આંદોલન જારી રાખવા ખેડૂતો મક્કમ

સાત માસથી નવા કૃષિ કાયદા સામે ખેડૂતોનું આંદોલન : ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને ૨૬ જાન્યુઆરીએ ટ્રેકટર રેલીની હિંસાની યાદ અપાવી ચેતવણી આપી

નવી દિલ્હી, તા. ૨૪ : કોરોના મહામારીનો ત્રીજો વેવ આવી શકે છે તેવી આશંકા વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકારને ચેતવણી આપીને કહ્યુ છે કે, છેલ્લા સાત મહિનાથી ખેડૂત આંદોલન ચાલી રહ્યુ છે પણ સરકારને શરમ નથી આવી રહી. કોરોનાનો ત્રીજો વેવ આવશે તો પણ અમે અહીંયા રહીશું અને આંદોલન ચાલુ રાખીશું. આંદોલન કોઈ પણ સંજોગોમાં પાછુ ખેંચવામાં નહીં આવે.

તેમણે કહ્યુ હતુ કે, સરકાર સાંભળી, ખેડૂતો તૈયાર છે. આંદોલન ખતમ નહી થાય પણ શાંતિપૂર્ણ રીતે ચાલતુ રહેશે. રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે, ચાર લાખ ટ્રેકટર પણ અહીંયા છે અને ૨૬ તારીખ પણ દર મહિને આવતી હોય છે.આમ ટિકૈતે આડકતરી રીતે ૨૬ જાન્યુઆરીએ ટ્રેકટર રેલીમાં થયેલી હિંસાની સરકારને યાદ અપાવી હતી.

ટિકૈતે કહ્યુ હતુ કે, દેશને લૂટારાઓથી બચાવવા માટે સરહદ પર ટેક્ન, ખેતરોમાં ટ્રેકટર અને યુવાઓના હાથમાં ટ્વિટર બહુ જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે જાન્યુઆરી મહિનામાં દિલ્હીમાં થયેલી હિંસા બાદ વાતચીત બંધ છે. સરકારનુ કહેવુ છે કે, સરકાર વાતચીત કરવા માટે તૈયાર છે પણ ખેડૂતો ત્રણે કૃષિ કાયદા પાછા ખેંચવાની વાત પર અડેલા છે.

છેલ્લે ૨૦ જાન્યુઆરીએ સરકારે ખેડૂતો સમક્ષ પ્રસ્તાવ મુક્યોહતો કે, દોઢ વર્ષ સુધી નવાકૃષિ કાયદાનો અમલ નહીંથાય અને સમાધાન માટે એકસમિતિ બનાવવામાં આવશે.જેના બદલામાં ખેડૂતોએ આંદોલન ખતમ કરવુ પડશે. જોકે ખેડૂતોએ પ્રસ્તાવ પણ ફગાવી દીધો હતો

(7:37 pm IST)