Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

હોંગકોંગમાં લોકશાહી સમર્થક અખબાર એપલ ડેઈલી આખરે બંધ: છેલ્લી નકલ ખરીદવા લોકોની પડાપડી

સરકારી દમનના કારણે મેનેજમેન્ટે અખબાર બંધ કરી દેવાનો નિર્ણય કર્યો

હોંગકોંગની ચીનના ઈશારે કાર્યરત સરકાર અને ચીનના દમનકારી કાયદા સામે અવાજ ઉઠાવનારું છાપું એપલ ડેઈલી બંધ થઈ ગયું છે. તેની છેલ્લી નકલ ખરીદવા હોંગકોંગમાં પડાપડી થઈ ગઈ હતી. અખબારની છેલ્લી એડિશનની ૧૦ લાખ નકલો જોતજોતામાં વેચાઈ ગઈ હતી.
હોંગકોંગમાં લોકશાહીનું સમર્થક અખબાર એપલ ડેઈલી આખરે બંધ થઈ ગયું છે. સરકારી દમનના કારણે મેનેજમેન્ટે અખબાર બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હતો. એપલ ડેઈલી અખબારની છેલ્લી પ્રિન્ટ એડિશન પ્રસિદ્ધ થઈ હતી, જેને ખરીદવા માટે લોકોએ લાંબી લાઈનો લગાવી હતી. અખબારની છેલ્લી એડિશનની ૧૦ લાખ નકલો વેચાઈ ગઈ હતી.
એપલ ડેઈલી અખબારે ચીનના ઈશારે હોંગકોંગમાં લાગુ પડેલા નવા સુરક્ષા કાયદાનો ભારે વિરોધ કર્યો હતો અને કાયદાનો વિરોધ કરી રહેલાં પ્રદર્શનકારીઓનો પક્ષ રજૂ કર્યો હતો. આ અખબારે પૂરજોશમાં હોંગકોંગમાં મુક્ત લોકશાહી સ્થાપિત થાય તેની તરફેણ કરી હતી. તેની ચીનના ઈશારે હોંગકોંગમાં કાર્યરત સ્થાનિક સરકારી બોડીએ આ અખબારની સતામણી શરૃ કરી હતી. અખબાર ઉપર દમન કરીને પાંચ તંત્રીઓની અને મેનેજરની ધરપકડ થોડા દિવસ પહેલાં કરી હતી. એટલું જ નહીં, સરકારે અખબારની ૨૩ લાખ ડોલરની સંપત્તિ પણ જપ્ત કરી લીધી હતી.
આ વિકટ સ્થિતિ વચ્ચે અખબારના મેનેજમેન્ટે અખબાર બંધ કરી દેવાનો નિર્ણય લેવો પડયો હતો. હોંગકોંગના નાગરિકોનો અવાજ બનેલા આ અખબારે છેલ્લી પ્રિન્ટ એડિશન પ્રસિદ્ધ કરીને ઓપરેશન બંધ કરવાની જાહેરાત કરી તે પછી છાપાનો છેલ્લો ઐતિહાસિક અંક ખરીદવા માટે હોંગકોંગના દરેક ન્યૂઝસ્ટેન્ડમાં ભારે પડાપડી થઈ ગઈ હતી.
અસંખ્ય લોકો અખબારની ઓફિસે પહોંચી ગયા હતા અને અખબારના કર્મચારીઓને હિંમત બંધાવી હતી. અખબારે જાહેરાત કરતા લખ્યું હતું ઃ આ અમારો છેલ્લો દિવસ છે. આ અમારી છેલ્લી એડિશન છે. તે સાથે જ હોંગકોંગમાં અખબારી સ્વાતંત્ર્ય ખતમ થઈ જશે. પત્રકારો અને સ્ટાફને સંબોધીને અખબારના સહાયક પ્રકાશક ચેન પૂઈ મેને કહ્યું હતુંઃ આપણે સૌએ આપણો ધર્મ નિભાવ્યો. અહીં આપણી યાત્રા પૂરી થાય છે. તમે બધાએ ખૂબ જ સરસ કાર્ય કર્યું હતું.
હોંગકોંગનું આ અખબાર ૮૦ હજાર નકલોનો ફેલાવો ધરાવતું હતું. ૧૯૯૫માં જિમ્મી લેઈ નામના લોકશાહીના સમર્થક ઉદ્યોગ સાહસિકે આ અખબાર શરૃ કર્યું હતું. જિમ્મી લેઈની પણ સરકારે ૨૦૧૯માં ધરપકડ કરી હતી અને તેને ૨૦ વર્ષની જેલની સજા ફટકારી હતી.

(11:28 pm IST)