Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ભારતની વધશે ચિંતા : ચીન તિબેટના લ્હાસાથી ન્યિંગચીને જોડતી ૪૩૫.૫ કિલોમીટર લાંબી ઈલેક્ટ્રિક ટ્રેન શરૂ કરશે

ન્યિંગચી અરૃણાચલ પ્રદેશની સરહદથી ખૂબ જ નજીક: ભવિષ્યમાં આ ટ્રેનનો વ્યૂહાત્મક ઉપયોગ કરી શકે.

બેઈજિંગ :તિબેટના લ્હાસાથી ન્યિંગચીને જોડતી ૪૩૫.૫ કિલોમીટર લાંબી ઈલેક્ટ્રિક ટ્રેન દોડતી કરીને ચીન ભારતની ચિંતામાં વધારો કરશે. ન્યિંગચી ભારતના અરૃણાચલ પ્રદેશની સરહદ નજીક હોવાથી ચીન ભવિષ્યમાં આ ટ્રેનનો વ્યૂહાત્મક ઉપયોગ કરી શકે છે.
તિબેટના પાટનગર લ્હાસાથી ન્યિંગચી નામના ટાઉનને જોડતો ઈલેક્ટ્રિક રેલમાર્ગ તૈયાર થઈ ગયો છે. ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપનાને ૧૦૦ વર્ષની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે તિબેટમાં આ રૃટ પર સૌપ્રથમ ઈલેક્ટ્રિક ટ્રેન દોડતી થશે.
લ્હાસા-ન્યિંગચી વચ્ચે ૪૩૫.૫ કિલોમીટરનું અંતર છે. ન્યિંગચી અરૃણાચલ પ્રદેશની સરહદથી ખૂબ જ નજીક છે એટલે ચીને આ માર્ગને તિબેટની પ્રથમ ઈલેક્ટ્રિક ટ્રેન દોડાવવા માટે પસંદ કર્યો છે. લ્હાસા-ન્યિંગચી રેલવેના એન્જિનિયર લીયુ ઝિયાંગે કહ્યું હતું કે ઈલેક્ટ્રિક ટ્રેનને શરૃ કરવા માટે જરૃરી બધી જ પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. ગત વર્ષે નવેમ્બરમાં તેનું બાંધકામ શરૃ થયું હતું. એ વખતે જ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપનાને ૧૦૦ વર્ષ થાય તે પહેલાં કામ પૂર્ણ કરવાની તાકીદ થઈ હતી. તેના ભાગરૃપે તિબેટની પ્રથમ ઈલેક્ટ્રિક ટ્રેન દોડવા માટે તૈયાર થઈ ગઈ છે.
ચીનના સરકારી મીડિયામાં તિબેટની પ્રથમ ઈલેક્ટ્રિક ટ્રેન શરૃ કરાશે તેની જાહેરાત થઈ હતી. સંભવતઃ પહેલી જુલાઈથી આ ટ્રેન દોડતી થઈ જશે. ભારત માટે આ ચિંતાનો વિષય બનશે, કારણ કે અરૃણાચલ પ્રદેશની સરહદ પાસે આવેલા ટાઉન મેડોગને તિબેટના પાટનગર લ્હાસા સાથે જોડતી આ ઈલેક્ટ્રિક ટ્રેનનો ચીન જરૃર પડયે ભારતની સામે વ્યૂહાત્મક ઉપયોગ પણ કરી શકે છે.

(11:29 pm IST)