Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

મિર્ઝાપુરના મુન્ના ભૈયાની ટિખ્ખળ, સેલ...સેલ...સેલ...ધારાસભ્ય લઈ લો

મહારાષ્ટ્રની સ્થિતિ પર અભિનેતાની પ્રતિક્રિયા : દિવ્યેંદુ શર્માએ મહારાષ્ટ્રના રાજકીય સંકટ અંગે ટ્વિટમાં કોઈ જ નેતા કે પક્ષનું નામ લીધા વગર જ કટાક્ષ કર્યો છે

મુંબઈ, તા.૨૩ : મહારાષ્ટ્રમાં ગત મંગળવારથી એક હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સત્તારૂઢ શિવસેનામાં જે બળવો સર્જાયો છે તેના કારણે મહાવિકાસ અઘાડી સરકાર સંકટમાં મુકાઈ છે. શિવસેનાના નેતા એકનાથ શિંદેએ પોતાના સમર્થક ધારાસભ્યો સાથે જે પ્રકારે બાગી વલણ અપનાવ્યું છે તેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ વ્યાપ્યો છે. મહારાષ્ટ્રની રાજકીય હલચલ મામલે નેતાઓ અને સામાન્ય જનતા ઉપરાંત સેલિબ્રિટીની પ્રતિક્રિયાઓ પણ સામે આવવા લાગી છે.

'મિર્ઝાપુર' નામની અતિ લોકપ્રિય બનેલી વેબ સિરીઝમાં મુન્ના ભૈયા તરીકે છવાઈ જનારા અભિનેતા દિવ્યેંદુ શર્માએ પણ મહારાષ્ટ્રના રાજકીય સંકટ અંગે ટીખળ કરતી એક પોસ્ટ મુકી છે. દિવ્યેંદુએ ટ્વિટમાં કોઈ જ નેતા કે પક્ષનું નામ લીધા વગર જ કટાક્ષ કર્યો છે.

અભિનેતાએ લખ્યું હતું કે, 'સેલ...સેલ...સેલ... ધારાસભ્ય લઈ લો...આ કહેવાતા નેતાઓ માટે રાજકારણ એ એક ધંધો જ છે.' દિવ્યેંદુની આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

દિવ્યેંદુ તાજેતરમાં જ રીલિઝ થયેલી 'સાલ્ટ સિટી' વેબ સિરીઝમાં પણ જોવા મળ્યો હતો. ગત ૧૬ જૂનના રોજ રીલિઝ થયેલી 'સાલ્ટ સિટી' વેબ સિરીઝમાં દિવ્યેંદુ એક અલગ જ અંદાજમાં દેખાયો હતો.

(12:00 am IST)