Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

૧ જુલાઈ, ૨૦૨૨ થી સ્‍કૂટર-મોટરસાઈકલની સવારી થશે મોંઘીઃ હીરો મોટોકોર્૫ે ભાવમાં કર્યો વધારો

અગાઉ, ૧ જુલાઈ, ૨૦૨૧ ના રોજ ૩,૦૦૦ રૂપિયા અને ૩૦ સપ્‍ટેમ્‍બરે ૩,૦૦૦ રૂપિયા, ૧ જાન્‍યુઆરી, ૨૦૨૨ થી ૨,૦૦૦ રૂપિયા અને હવે ૩,૦૦૦ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે

નવી દિલ્‍હી, તા.૨૪: વ્‍હીલર ખરીદનારાઓને ૧ જુલાઈ, ૨૦૨૨થી મોંઘવારીનો આંચકો લાગશે. દેશની સૌથી મોટી ટુ-વ્‍હીલર નિર્માતા કંપની Hero MotoCorp એ પોતાની મોટરસાઇકલ અને સ્‍કૂટરની કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે. વધેલી કિંમતોનો નિર્ણય ૧ જુલાઈ, ૨૦૨૨થી અમલમાં આવશે.

કોમોડિટીની વધતી કિંમતોને કારણે મોંઘવારી વધી છે, જેના કારણે ટુ-વ્‍હીલરના ઉત્‍પાદનનો ખર્ચ વધી ગયો છે, જેના કારણે કંપનીએ તેની મોટરસાઇકલ અને સ્‍કૂટરની કિંમતમાં ૩,૦૦૦ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. Hero MotoCorp એ સ્‍ટોક એક્‍સચેન્‍જોને માહિતી આપી છે કે ૧ જુલાઈ, ૨૦૨૨થી કંપની મોટરસાઈકલ સ્‍કૂટરની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે.

કંપનીએ કિંમતમાં વધારા માટે વધતી જતી ઈનપુટ કોસ્‍ટને જવાબદાર ગણાવી છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે કોમોડિટીના ભાવમાં વધારાને કારણે તેણે કિંમત વધારવાનો નિર્ણય લેવો પડ્‍યો છે. ઉપરાંત, કિંમતમાં વધારો મોટરસાઇકલ અને સ્‍કૂટરના મોડલ પર નિર્ભર રહેશે.

Hero MotoCorp એ છેલ્લા એક વર્ષમાં ચોથી વખત સ્‍કૂટર મોટરસાયકલની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ, ૧ જુલાઈ, ૨૦૨૧ ના રોજ ૩,૦૦૦ રૂપિયા અને ૩૦ સપ્‍ટેમ્‍બરે ૩,૦૦૦ રૂપિયા, ૧ જાન્‍યુઆરી, ૨૦૨૨ થી ૨,૦૦૦ રૂપિયા અને હવે ૩,૦૦૦ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

Hero MotoCorp એન્‍ટ્રી-લેવલ HF૧૦૦થી લઈને Xpulse ૨૦૦ 4V જેવી બાઈક સુધીના વિવિધ મોડલ્‍સનું વેચાણ કરે છે. HF૧૦૦ની કિંમત રૂ. ૫૧,૪૫૦ થી શરૂ થાય છે, જ્‍યારે Xpulse ૨૦૦ ૪સ્‍ની કિંમત રૂ. ૧.૩૨ લાખ (એક્‍સ-શોરૂમ દિલ્‍હી)થી શરૂ થાય છે.

બાકીના ઓટોમોટિવ ઉદ્યોગની જેમ, ટુ-વ્‍હીલર નિર્માતા છેલ્લા કેટલાક મહિનામાં ઘણી પ્રતિકૂળ પરિસ્‍થિતિઓનો સામનો કરી રહી છે. તેમાંથી એક માઇક્રોચિપ્‍સ સહિત જટિલ કાચા માલની વધતી કિંમત છે. વધુમાં, રશિયા અને યુક્રેન વચ્‍ચે ચાલી રહેલ યુદ્ધ ઓટો ઉત્‍પાદકો માટે લોજિસ્‍ટિક્‍સની સમસ્‍યા ઊભી કરી રહ્યું છે.

જ્‍યારે હીરો મોટોકોર્પ પહેલેથી જ ભાવવધારાની જાહેરાત કરી ચૂકયું છે, ત્‍યારે અન્‍ય ટુ-વ્‍હીલર અને કાર ઉત્‍પાદકો પણ આગામી સપ્તાહમાં આ જ રીતે ભાવમાં વધારો કરી શકે છે.

(10:07 am IST)