Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

‘અમેરિકાવાસીઓ સ્‍વબચાવ-માટે જાહેરમાં બંદૂક સાથે રાખી શકે'

સેનેટે બંદૂક હિંસાને રોકવા માટે ઘડવામાં આવેલા એક દ્વિપક્ષી ખરડાને મંજૂરી આપી દીધી છે

વોશિંગ્‍ટન, તા.૨૪: અમેરિકાની સંસદના ઉપલા ગળહ, સેનેટએ બંદૂક હિંસાને રોકવા માટે ઘડવામાં આવેલા એક દ્વિપક્ષી ખરડાને મંજૂરી આપી દીધી છે. આ સાથે આ ખરડાને અમેરિકી કોંગ્રેસ (સંસદ)ની આખરી મંજૂરી સાથે કાયદાનું સ્‍વરૂપ આપવાનો માર્ગ મોકળો થયો છે. દેશમાં છેલ્લા એક દાયકામાં જાહેર સ્‍થળોએ સામુહિક ગોળીબાર દ્વારા હત્‍યાકાંડોની અનેક ઘટનાઓએ હાહાકાર મચાવી દીધો હોવાથી દેશમાં ફેલાયેલા ‘ગન કલ્‍ચર' (બંદૂકોના બેફામ અને ગેરકાયદેસર ઉપયોગ)ને રોકવાની તીવ્ર માગણી ઊભી થઈ છે. સેનેટે પાસ કરેલા ખરડાને હવે પ્રતિનિધિ સભા ગળહમાં પાછો મોકલવામાં આવશે. તેની મંજૂરી મળી ગયા બાદ પ્રમુખ જો બાઈડનને મોકલવામાં આવશે અને એમની સહી થઈ ગયા બાદ ખરડો કાયદો બની જશે. સેનેટમાં બાયપાર્ટિસન ગન-સેફ્‌ટી ખરડો ૬૫ વિરુદ્ધ ૩૩ મતોથી પાસ કરવામાં આવ્‍યો હતો. અમેરિકાના સંસદીય ઈતિહાસમાં છેલ્લા ૩૦ વર્ષમાં આ પરિણામને સૌથી મોટી સફળતા તરીકે ગણવામાં આવ્‍યું છે.
જોકે ગઈ કાલે જ સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદાથી દેશમાં થોડીક નારાજગી ફેલાઈ છે. નારાજ થયેલાઓમાં દેશના પ્રમુખ જૉ બાઈડનનો પણ સમાવેશ થાય છે. એ ચુકાદામાં સુ-ીમ કોર્ટે ન્‍યૂયોર્ક રાજ્‍યની વિધાનસભાએ ઘડેલા એક કાયદાને રદબાતલ કર્યો હતો. એ કાયદામાં એવી જોગવાઈ હતી કે કોઈ પણ વ્‍યક્‍તિએ બંદૂકનું લાઈસન્‍સ મળે એ પહેલાં જાહેર સ્‍થળોએ ફરતી વખતે પોતાની સાથે હેન્‍ડગન રાખવાની વિશેષ જરૂરિયાત હોવાનું સાબિત કરવાનું રહેશે. પરંતુ સુપ્રીમ કોર્ટે આત્‍મરક્ષણ માટે સાથે બંદૂક રાખવાના અમેરિકાવાસીઓના અધિકારનો વિસ્‍તાર વધાર્યો છે અને કહ્યું છે કે લોકોને જાહેર સ્‍થળોએ સ્‍વબચાવ માટે જીવલેણ હથિયારો સાથે રાખવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને કારણે અમેરિકામાં લોકો કાયદેસર રીતે સશષા થઈ શકશે.

 

(3:54 pm IST)