Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

સર્જિકલ સ્ટ્રાઈક વગર જ આખું કાશ્મીર આપણું હશે : વી.કે. સિંહ

ડૉ. શ્યામાપ્રસાદને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ નિવેદન : અત્યારે એવા ઘણા રસ્તાઓ છે, જેના દ્વારા આખા કાશ્મીર ઉપર ભારતનો કબજો થશે એવો મંત્રીનો દાવો

ગાઝિયાબાદ, તા.૨૪ : ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરૂવાર એટલે કે ગત તા. ૨૩ જૂનના રોજ વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ગાઝિયાબાદમાં આવેલા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી પાર્ક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોની સાથે ભાજપના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહે પણ ભાગ લીધો હતો. વીકે સિંહે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આશા છે કે, ટૂંક સમયમાં આખું કાશ્મીર આપણું થશે અને તેના માટે કોઈ સર્જિકલ સ્ટ્રાઈકની પણ જરૂરિયાત નહીં પડે. અત્યારે એવા ઘણા રસ્તાઓ છે, જેના દ્વારા આખા કાશ્મીર ઉપર ભારતનો કબજો થશે અને તે ભારતનો હિસ્સો બનશે.

ગાઝિયાબાદમાં બલિદાન દિવસની ઉજવણી માટેના કાર્યક્રમમાં વીકે સિંહે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને હાર ચઢાવ્યો હતો. ઉપરાંત તેમની વીરતાને યાદ કરીને ત્યાં હાજર રહેલા લોકો સમક્ષ તેમના બલિદાનની કથા રજૂ કરી હતી.

વીકે સિંહે તે નિમિત્તે જણાવ્યું હતું કે, ભારતીયોએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનને ભૂલ્યા વગર તેમના માફક દેશસેવાને સર્વોપરી માનવી જોઈએ. ડૉ. મુખર્જીએ જે સપનાઓ સેવ્યા હતા તેને ભારતીય જનતા પાર્ટી સાકાર કરી રહી છે. હાલમાં દેશની શિક્ષણ નીતિ, ઉદ્યોગ નીતિ તેમના વિચારો ઉપર જ આધારીત છે.

આ પ્રસંગે વીકે સિંહે જણાવ્યું હતું કે, ભાજપ સરકારના આવ્યા બાદ કાશ્મીરમાં મોટા પરિવર્તનો આવ્યા છે અને આવનારા સમયમાં કાશ્મીર ઉપર ભારતનો સંપૂર્ણ અધિકાર હશે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, હવે કાશ્મીરને ભારતનો ભાગ બનાવવા માટે કોઈ સર્જિકલ સ્ટ્રાઈકની જરૂરિયાત નહીં પડે. અત્યારે એવા ઘણા રસ્તાઓ છે, જેના દ્વારા આખા કાશ્મીર ઉપર ભારતનો અધિકાર થશે અને તે ભારતનો હિસ્સો બનશે.

(7:57 pm IST)