Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ડિસેમ્બર સુધી ફૂગાવાનો દર ઘટવાની શક્યતા ઓછી છેઃ શક્તિકાન્તા દાસ

મોંઘવારીના મારમાં વધુ એક માઠા સમાચાર : મોંઘવારીનો દર જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ૭.૪ ટકા, ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ૬.૨ ટકા અને જાન્યુ.થી માર્ચ ૨૦૨૩ વચ્ચે ૫.૮ ટકા રહેવા અંદાજ

નવી દિલ્હી, તા.૨૪ : દેશમાં અત્યારે મોંઘવારીએ મઝા મૂકી છે. કેન્દ્ર સરકારે કેટલાક પગલાં લીધા છે તેના કારણે સ્ટીલ, ખાધતેલ અને પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રાહત મળી છે પણ ફુગાવાનો દર રિઝર્વ બેંકની ધારણા અનુસાર ડિસેમ્બર સુધી ઘટશે એવી શક્યતા ઓછી છે એમ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાન્તા દાસે એક અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું.

દરમિયાન, રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રાએ એક અલગ મુલાકાતમાં જણાવ્યું હતું કે યુરોપમાં ચાલી રહેલા યુદ્ધના કરને અર્થતંત્ર ઉપર અસર પડશે અને આર્થિક વિકાસ દર ધીમો પડી શકે છે.

અમે ફુગાવો અને અપેક્ષિત ફુગાવો ઘટાડવાના રસ્તે ચાલી રહ્યા છે. ડિસેમ્બર સુધી, ગ્રાહક ભાવાંક અમારી અપેક્ષાની ટોચ આસપાસ જ રહેશે. આ પછી તે છ ટકાની નીચે જશે, એવું ગવર્નર દાસે જણાવ્યું હતું.

મહિનાના પ્રથમ સપ્તાહમાં ધિરાણ નીતિની સમીક્ષા સમયે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં સ્થાનિક અને વિદેશી પરિબળોના કારણે ગ્રાહક ભાવાંક આધારિત મોંઘવારી સરેરાશ ૬.૭ ટકા રહેશે એવો અંદાજ રિઝર્વ બેંકે કર્યો હતો. ફેબુ્રઆરીમાં આ અંદાજ ૪.૫ ટકા હતો, જે એપ્રિલમાં વધી ૫.૭ ટકા અને હવે ૬.૭ ટકા થઇ ગયો છે. રિઝર્વ બેંકના ગવર્નરે વ્યાજ દરના વધારાની જાહેરાત સાથેના નિવેદનમાં જણાવ્યું  હતું કે ફુગાવો એપ્રિલથી જૂન વચ્ચે ૭.૫ ટકા, જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ૭.૪ ટકા, ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ૬.૨ ટકા અને જાન્યુઆરી થી માર્ચ ૨૦૨૩ વચ્ચે ૫.૮ ટકા રહે એવો અંદાજ છે. સરળ ભાષામાં કહીએ તો મોંઘવારી હજુ ડિસેમ્બર સુધી - એ પણ ક્ડ ઓઈલના ભાવ સરેરાશ ૧૦૫ ડોલર પ્રતિ બેરલ, ચોમાસું વરસાદ સારો લાવે તો - દેશની પ્રજાને અકળાવશે.

એપ્રિલ મહિનામાં ૭.૭૯ ટકાની આઠ વર્ષની ઉંચી સપાટી બાદ મે મહિનામાં ગ્રાહક ભાવાંક આંશિક ઘટ્યો હોવા છતાં તે રિઝર્વ બેંકના લક્ષ્ય બે ટકાથી છ ટકાની સપાટી કરતા સતત પાંચમાં મહીને ઉંચો રહ્યો છે. કોરોના મહામારી પછી અર્થતંત્ર ફરીથી ધમધમી રહ્યા હતા ત્યારે રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે વૈશ્વિક વૃદ્ધિ ઉપર જોખમ ઉભું થયું છે એમ ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રાએ જણાવ્યું હતું. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં સીધો કોઈ સંબંધ નહિ હોવા છતાં ઉભરતા અર્થતંત્ર ઉપર તેની સૌથી મોટી અસર જોવા મળી રહી છે. વિશ્વની દરેક બેંકના વ્યાજ અને ધિરાણ અંગેના નિર્યણ પોતાના દેશને અનુરૂપ હોય છે પણ અત્યારે મોંઘવારી સૌથી મોટો પ્રશ્ન છે અને દરેક દેશના વ્યાજના વધારા દર્શાવે છે કે સમસ્યા સરખી છે, એમ પાત્રાએ પીએચડી ચેમ્બર ઓફ કોમર્સની એક બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતું.

(8:01 pm IST)