Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

આઈસક્રીમ, કેન્ડી, ફુગ્ગામાં વપરાતી પ્લાસ્ટિક સ્ટીક પર ૨૦૨૨થી પ્રતિબંધ મૂકાશે

પ્લાસ્ટિકના કપ, ગ્લાસ, ચમચી, ઈયરબડ્ર્સની સ્ટીક, કન્ટેનર્સના ઢાંકણા, ટ્રે વગેરે પણ તબક્કાવાર એક વર્ષ પછી બંધ કરાશે

નવી દિલ્હી, તા. ૨૪ : કેન્દ્ર સરકાર આવતા વર્ષથી દેશભરમાં પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકશે. જાન્યુઆરી-૨૦૨૨થી આઈસક્રીમ, કેન્ડીમાં વપરાતી પ્લાસ્ટિક સ્ટિક પર પ્રતિબંધ મૂકાશે. તે પછી તબક્કાવાર પ્લાસ્ટિકના કપ, ગ્લાસ, ચમચી વગેરે ઉપર પણ આવતા વર્ષે પ્રતિબંધ મૂકી દેવાશે.

રાજયકક્ષાના પર્યાવરણ મંત્રી અશ્વિન ચોબેએ સંસદમાં પ્લાસ્ટિકના પ્રતિબંધ અંગે રૂપરેખા રજૂ કરી હતી. કેન્દ્ર સરકારના આયોજન પ્રમાણે જાન્યુઆરી-૨૦૨૨થી પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકાવવાની શરૂઆત થશે. તબક્કાવાર બધા જ પ્રકારના પ્લાસ્ટિક ઉપર અને તેની બનાવટો ઉપર પ્રતિબંધ લાગશે. ખાસ તો ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકની બનાવટો જુલાઈ-૨૦૨૨થી બંધ કરવાનું સરકારનું આયોજન છે.

જાન્યુઆરી-૨૦૨૨થી જે પ્રોડકટમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થશે, એમાં આઈસક્રીમ, કેન્ડીમાં વપરાતી પ્લાસ્ટિકની સ્ટિકસ, ફુગ્ગા, ઈયરબર્ડર્સમાં વપરાતી પ્લાસ્ટિકની સળીઓ, પ્લાસ્ટિકના ધ્વજ વગેરેનો સમાવેશ થાય છે. આ બધી જ પ્રોડકટમાં જાન્યુઆરી-૨૦૨૨થી પ્રતિબંધ મૂકાશે.

તે પછીના તબક્કામાં પ્લાસ્ટિકના એક વખત વપરાતા ગ્લાસ, ચાના અને તે સિવાયના કપ, કાંટા-ચમચી, કેપ કાપવામાં વપરાતી પ્લાસ્ટિકની છરી, સ્ટ્રો, કન્ટેનરમાં વપરાતા ઢાંકણા, ટ્રે, પ્લાસ્ટિકની થેલીઓ વગેરે ઉપર પ્રતિબંધ મૂકાશે. આ ચીજવસ્તુઓ ઉપર સંભવતઃ એકાદ વર્ષ પછી એટલે કે જુલાઈ-૨૦૨૨થી પ્રતિબંધ લાગે તેવી શકયતા છે.

કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે ચાલુ વર્ષની શરૂઆતથી જ આવી પ્રોડકટ બનાવતી કંપનીઓ, ઉત્પાદકો, કારખાનાના માલિકો, સ્ટોકિસ્ટ, વિતરકો, ઈમ્પોર્ટર, એકસપોર્ટર વગેરેને નોટિફિકેશન આપી દેવામાં આવ્યું છે. તેમને એક વર્ષમાં આ પ્રોડકટનું ઉત્પાદન-વેંચાણ બંધ કરવાનું જણાવાયું છે.

સરકારના અહેવાલમાં કહેવાયું હતું કે ૨૦૧૬ના કાયદા પ્રમાણે સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગમાં દ્યટાડો કરવાના પ્રયાસો શરૂ કરી દેવાયા છે. રાજયોમાં પણ અલગ અલગ જોગવાઈઓ હેઠળ પર્યાવરણને નુકસાન કરતા પ્લાસ્ટિકના ઉપયોગ પ્રતિબંધો મૂકવાનું શરૂ થયું છે. રાજય સરકારો અને સ્થાનિક સરકારી બોડીએ એ કાયદા અંતર્ગત દંડની જોગવાઈ પણ કરી છે.

(10:20 am IST)