Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

તાલિબાન પર તૂટી પડયું અફઘાનિસ્તાન : ૩૬ આતંકવાદીઓને ફુંકી માર્યા

જલાલાબાદ કાબુલ સપ્લાય લાઇન પર તાલિબાન ઉપરાંત આઇએસઆઇએસની પણ નજર

નવી દિલ્હી, તા. ૨૪ : અફઘાનિસ્તાનમાંથી ૨૦ વર્ષો બાદ અમેરિકી સૈનિકો પાછા ફર્યા ત્યારથી તાલિબાનનો દબદબો વધી રહ્યો છે. તાલિબાની આતંકવાદીઓએ કરેલા દાવા પ્રમાણે તેમના ફાઈટર્સે અફઘાનિસ્તાનના ૯૦ ટકા હિસ્સા પર કબજો કરી લીધો છે. અફઘાની સેના સતત પોતાના વિસ્તારોને તાલિબાનીઓની ચુંગાલમાંથી છોડાવવા માટે પ્રયત્ન કરી રહી છે.

અફઘાનિસ્તાનના સુરક્ષા દળોએ છેલ્લા કેટલાક દિવસોથી તાલિબાન પરના હુમલાઓ તેજ કરી દીધા છે. અફઘાન ફોર્સીઝ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે તેણે કંધાર પાસે ૩૬ તાલિબાની ફાઈટર્સને ઠાર માર્યા છે.

અફઘાનિસ્તાન સાથે ચાલી રહેલા લોહીયાળ સંઘર્ષ વચ્ચે તાલિબાન પણ અનેક પ્રકારના દાવાઓ કરી રહ્યું છે. તાજેતરમાં તાલિબાને દાવો કર્યો હતો કે, તેણે દેશના ઉત્ત્।રી હિસ્સાના ગાઝિયાબાદ જિલ્લાના પોલીસ મુખ્યાલય પર કબજો કરી લીધો છે. આ સાથે જ અફઘાનિસ્તાનના ૮૦ સુરક્ષા બળ તાલિબાનમાં સામેલ થઈ ગયા છે. તાલિબાને ગાઝિયાબાદ ખાતે અફઘાન બળો પાસેથી જપ્ત કરવામાં આવેલા હથિયારો અને ગોળા-બારૂદના ફોટો પણ શેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અમેરિકાએ ૨ દશકા બાદ પોતાના સૈનિકોને અફઘાનિસ્તાનથી પાછા બોલાવ્યા હતા. ત્યાર બાદ તાલિબાન વધુ ભયંકર સ્વરૂપમાં આવી ગયું છે. તેણે અફઘાનિસ્તાનના મોટા ભાગના વિસ્તારો પર કબજો જમાવી લીધો છે. તાલિબાને પાકિસ્તાન, ઈરાન, તઝાકિસ્તાન અને તુર્કમેનિસ્તાનને જોડતા હેરાત, ફરહા, કંધાર, કુંદુજ, તખર અને બદખ્શાં પ્રાંતોમાં અનેક મોટા હાઈવે અને બોર્ડર પોસ્ટ પર પણ કબજો જમાવ્યો છે. જયારે અફઘાનિસ્તાનની ફોર્સ હાલ નંગરહાર, પકત્યા, પકિતકા, ખોસ્ત અને નિમરોજ પ્રાંતોમાં ઈરાન અને પાકિસ્તાન સાથે જોડાયેલી બોર્ડર પોસ્ટ પર કબજો જમાવીને બેઠી છે.

આ તરફ તાલિબાન અફઘાનિસ્તાનની લાઈફ લાઈન પર કબજો કરવાની તૈયારી કરી રહ્યું છે. હકીકતે તાલિબાની આતંકવાદીઓ અફઘાનિસ્તાનના મોટા ભાગના હાઈવે પર કબજો જમાવવા પ્રયત્ન કરી રહ્યા છે. અનેક જગ્યાએ તાલિબાનને સફળતા પણ મળી છે. કંધાર હાઈવે, જેને મેઈન સપ્લાય માનવામાં આવે છે તેના પર તાલિબાને કબજો જમાવી લીધો છે. તે સિવાય જલાલાબાદ કાબુલ વચ્ચે બીજી સપ્લાય લાઈન પર તાલિબાન અફઘાન ફોજ પર ફકત હુમલો જ નથી કરી રહ્યું પરંતુ તે સપ્લાય લાઈન પર આઈએસઆઈએસની નજર પણ છે.

(10:25 am IST)