Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ભારતને વર્ષ ૨૦૨૨ પહેલા નહીં મળી શકે મોર્ડનાની રસી

વર્ષ ૨૦૨૧ સુધી કંપનીની તમામ રસીનું બુકિંગ થઇ ચુકયું છે

નવી દિલ્હી તા. ૨૪ : ભારતમાં અમેરિકન રસી મોર્ડના માટે આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે. વર્ષ ૨૦૨૨ પહેલા ભારતને મોર્ડનાની રસીનો સપ્લાય મળવો મુશ્કેલ છે.

દેશના અનેક રાજયોમાં હાલના સમયે કોરોનાની રસીની અછત છે. રસીની અછતના કારણે રાજય સરકારોએ અનેક વાર રસીકરણ સેન્ટર બંધ કરવા  મજબૂર બની હતી. આ દરમિયાન સમાચાર છે કે ભારતમાં અમેરિકન રસી મોર્ડના માટે આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે. હકિકતમાં વર્ષ ૨૦૨૧ સુધી કંપનીની તમામ રસીની બુકિંગ થઈ ચૂકી છે. જેથી વર્ષ ૨૦૨૨ પહેલા ભારતને મોર્ડનાની રસીનો સપ્લાય મળવો મુશ્કેલ છે.

ઉલ્લેખનીય છે કે સરકારે વિદેશી કંપનીઓ પાસેથી રસીની ખરીદીને પહોંચી વળવા માટે નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ની અધ્યક્ષતામાં વરિષ્ઠ અધિકારીઓની ૫ સભ્યોની ટીમનું ગઠન કર્યુ છે. ટીમમાં વિદેશ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય અને કાયદાના મામલાના અધિકારી છે.

અંગ્રેજી અખબારના જણાવ્યાનુસાર રસીને લઈને મોર્ડના સાથે સરકારની વાતચીત થઈ. કંપનીએ રસીના સપ્લાયમાં રસ પણ દાખવ્યો. પરંતુ રસીનો ઓર્ડર વર્ષ ૨૦૨૧ માટે સંપૂર્ણ રીતે બૂક થઈ ચૂકયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મોર્ડનાએ ભારતમાં રસીના ઉત્પાદન માટે રસ દાખવ્યો. જયાં સુધી રસીની વાત છે આવતા વર્ષ સુધી મળી જશે.

હાલમાં ભારતમાં ૩ રસી લાગી રહી છે. જેમાં કોવિશીલ્ડ, કોવૈકિસન, અને સ્પૂતનિક છે. અત્યાર સુધીમાં દેશમાં ૪૨ કરોડથી વધારે લોકોને રસીના ડોઝ અપાઈ ચૂકયા છે. સમગ્ર વયસ્ક વસ્તીના રસીકરણ માટે આ વર્ષના અંત સુધીમાં ૧.૫ બિલિયન ડોઝની જરુર છે. સરકારનું કહેવું છે કે વર્ષના અંત સુધીમાં તમામ વયસ્કોને રસી લાગી જશે.

ફાઈઝરની રસીને ૯૬ દેશોમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ચૂકી છે. જયારે મોર્ડનાની રસી ૬૩ દેશોમાં ઉપયોગમાં લેવાઈ રહી છે.  ફાઈઝરની સાથે પણ ભારત સરકાર વાતચીત કરી રહી છે. પણ ડોઝ કયાં સુધીમાં મળશે તે હજું કહી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે મોર્ડના અને ફાઈઝર બન્ને કોરોનાના જૂના વેરિએન્ટ પર ૯૫ ટકા અસરકારક છે.

(10:26 am IST)