Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

મહારાષ્ટ્રની હથનુર ડેમના 41 દરવાજા ખોલાયા: 80,000 ક્યૂસેક પાણી છોડાતા તાપીના ગામોને એલર્ટ કરાયા

જલગાંવ, ધૂલિયા, નંદુબાર, તાપી અને સુરત જિલ્લામાં તાપી નદીના કિનારેના ગામોને એલર્ટ

મુંબઈ :  મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં સ્થિત હથનુર ડેમના વોટરશેડના 9 વિસ્તારોમાં ગોપાલખેડા, લોહાર, દેડતલાઇ, ટેક્સા, ચિખલધરા અને બુરહાનપુરમાં ગત 24 કલાકમાં ભારે વરસાદ ખાબક્યો છે. તેમાં ડેમમાં પાણીની આવક વધી ગઇ છે. ગુરૂવારે 3 વાગે ડેમના તમામ 41 દરવાજા ખોલવામાં આવ્યા હતા.હથનુર ડેમ 80,000 ક્યૂસેક પાણી છોડવાથી જલગાંવ, ધૂલિયા, નંદુબાર, તાપી અને સુરત જિલ્લામાં તાપી નદીના કિનારેના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. 

ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. જેમાં જણાવ્યું છે કે, શુક્રવાર-શનિવારે નવસારી-વલસાડ-ડાંગ, રવિવારે સુરત-નવસારી-વલસાડ-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-સાબરકાંઠા-આણંદ-છોટાઉદેપુર-નર્મદા-ડાંગ-તાપી-રાજકોટ-અમરેલી-ભાવનગર, સોમવારે નવસારી-વલસાડ-દમણ-બનાસકાંઠા-પાટણ-પોરબંદર-જૂનાગઢ-ગીર-સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જોકે અમદાવાદમાં આગામી 3 દિવસ માત્ર હળવા વરસાદની જ સંભાવના છે. ગઈકાલે દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 32.9 અને હવામાં ભેજનું પ્રમાણ 80 ટકા નોંધાયું હતું.

ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમમાં ચાલુ વર્ષે પાણીની આવક થઇ નથી, પરંતુ હજુ પણ ડેમમાં 598 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી લોકોને પીવાનું પાણી તેમજ ઘર વપરાશનું પાણી મળી રહેશે. ભાવનગર જિલ્લામાં આવેલાં 12 જેટલાં જળાશયો હાલમાં છલક સપાટીએ છે, આથી ખેત સિંચાઈને લગતો મહત્ત્વનો પ્રશ્ન એક વર્ષ માટે સોલ્વ થઈ ગયો છે તો બીજી તરફ શેત્રુંજી ડેમ પણ પૂર્ણ સપાટીએ ભરેલો હોવાને કારણે ત્રણ તાલુકા તથા ભાવનગર શહેર માટે પીવાના પાણીની વિશાળ જળરાશિ ઉપલબ્ધ છે. જામનગર શહેરને હંમેશાં પાણી પૂરું પાડતા સસોઈ ડેમમાં ત્રણ ફૂટ નવું પાણી આવ્યું હતું અને જામનગરની જીવાદોરી સમાન રણજિતસાગર ડેમમાં અડધો ફૂટ નવા પાણીની આવક થઈ હતી તેમજ વર્તુળ 2માં પણ પાણીની આવક થઈ હતી.

(7:34 pm IST)