Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ઘરનું કામ ન કરતાં પુત્રવધૂએ ૮૨ વર્ષની સાસુને ફટકારી

પૌત્ર-પૌત્રીઓએ વીડિયો વાયરલ કરી દીધો : વીડિયો વાયરલ થયા બાદ સાસુને ફટકારનારી પુત્રવધૂ નાસી ગઈ, પતિએ જ પત્ની સામે પોલીસ ફરિયાદ નોંધાવી

સોનીપત,તા.૨૪ : હરિયાણાના સોનિપત જિલ્લાના સેક્ટર-૨૩માં માનવતાને શરમમાં મૂકતી ઘટના સામે આવી છે. જ્યાં એક ૮૨ વર્ષની વૃદ્ધ મહિલા સાથે મારઝૂડ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ  થઈ ગયો છે. વૃદ્ધ મહિલાને તેની પુત્રવધૂ ખરાબ રીતે મારે છે કારણ કે તેમનો વાંક માત્ર એટલો હોય છે કે તેઓ ઘરનું કામ નથી કરી શકતા. હવે સોશિયલ મીડીયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે અને વૃદ્ધ મહિલાની પુત્રવધૂ અને તેની માતા વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે. વૃદ્ધ મહિલાની ઉંમર ૮૨ વર્ષથી પણ વધુ હોવાનું કહેવાય છે જે જાતે ચાલી શકવામાં પણ અસમર્થ છે. પરંતુ તેમના દીકરાની પત્ની તેમને બળજબરીથી ઘરનું કામ કરાવતી હતી અને કામ ન કરતાં ક્રૂરતાથી મારતી હતી. પરંતુ એક વાર આ કળયુગી પુત્રવધૂની મારપીટ કરવાનો વીડિયો તેના જ સંતાનોએ બનાવી લીધો અને તેને વાયરલ કરી દીધો. ત્યારબાદથી આરોપી મહિલા ઘરેથી ફરાર છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે આરોપી મહિલાની વિરુદ્ધ કેસ નોંધી મામલાની તપાસ શરૂ કરી દીધી છે. સેક્ટર-૨૩ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ કટાર સિંહે જણાવ્યું કે, મહિલા સ્વાસ્થ્ય વિભાગમાં નર્સના પદે કાર્યરત છે અને કેસ નોંધ્યા બાદથી જ ફરાર છે, જેની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. બીજી તરફ, આ મામલામાં પોલીસનું કહેવું છે કે, વૃદ્ધ મહિલાના દીકરાએ મામલાની ફરિયાદ આપી છે. મહિલાનું મેડિકલ કરાવવામાં આવ્યું. વૃદ્ધ મહિલાના દીકરાએ પત્ની તથા પોતાની સાસુ પર મારજૂડ કરવા તથા જીવથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. આ સંબંધમાં બંનેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ બંને ફરાર છે.

(4:22 pm IST)