Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

કાર-બાઇક-મોબાઇલ ફોન-ટીવી સેટ-એસી મોંઘા થશે

કાચા માલના ભાવમાં થયેલો વધારો તથા નુરભાડા વધતા કંપનીઓને ભાવ વધારાની ફરજ પડશે : ઇલેકટ્રોનીકસ પ્રોડકટ ૮ ટકા તથા વાહનો ૧ થી ૨ ટકા મોંઘા થશે : ચીપ મોંઘી થઇ : કોપર-સ્‍ટીલ-પ્‍લાસ્‍ટીક એલ્‍યુમીનીયમ મોંઘા થયા છે

મુંબઇ,તા. ૨૪: કાર, ટુ વ્‍હીલર્સ, સ્‍માર્ટ ફોન, લેપટોપ, ટેલીવીઝન, ફ્રીજ અને એસીમાં ભાવવધારા માટે લોકોએ તૈયારી રાખવી પડશે. કાચા માલની કિંમતો અને નૂરભાડામાં વધારાના કારણે આ મોંઘી આઇટમોમાં આ એક વર્ષમાં ચોથી કે પાંચમી વાર ભાવવધારો થશે, ખાસ કરીને આ ફેસ્‍ટીવલ સીઝનમાં જ્‍યારે આ વસ્‍તુઓ વધારે ખરીદાતી હોય છે ત્‍યારે જ ભાવ વધારાનો સામનો કરવો પડશે. એક ઉત્‍પાદકે કહ્યુ કે કિંમતો બાબતે અમે આ વર્ષથી વધારે ખરાબ સમય કયારેય નથી જોયો.
કન્‍ઝયુમર ઇલેકટ્રોનીક આઇટમોમાં ૮ ટકા સુધીનો, જ્‍યારે કાર અને ટુ વ્‍હીલરમાં ૧ થી ૨ ટકાનો વધારો આગામી અઠવાડીયાઓમાં જોવા મળી શકે છે. કાર અને ટુ વ્‍હીલરના ભાવો છેલ્લા એકથી દોઢ વર્ષમાં કટકે કટકે ૧૦ થી ૧૫ ટકા વધી ગયા છે. કારના ભાવોમાં મોડલ અનુસાર ૫૦,૦૦૦ થી ૨,૫૦,૦૦૦ જેટલો વધારો થયો છે તો સ્‍કૂટરના ભાવોમાં ૫ થી ૧૦ હજાર રૂપિયાનો વધારો થયો છે.
સ્‍ટીલના ભાવ લગભગ બમણા અને એલ્‍યુમીનીયમ તથા તાંબાના ભાવ ૨૦ થી ૨૫ ટકા વધી ગયા છે. તો બીજી તરફ ઇલેકટ્રોનીકસમાં સેમીકન્‍ડકટર ચીપની અછત અને તેના ભાવમાં ૨૫ થી ૭૫ ટકાનો ઉછાળો ભાવવધારા માટે જવાબદાર છે. આ ઉપરાંત નૂરભાડામાં બેથી ત્રણ ગણો વધારો થતા આયાત વધુને વધુ મોંઘી બની છે.
ભાવ વધારાની અસર ટુ-વ્‍હીલર્સના બજારને થઇ છે. જો કે એડવાન્‍સ બુકીંગના આંકડાઓ જોતા કાર ખરીદનારાઓએ ભાવવધારાને સ્‍વીકારી લીધો છે.

 

(10:14 am IST)