Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

કેરલાના પરિવારે પાળેલા ડોગનાં કરાવ્‍યાં લગ્નઃ જાનૈયાઓને ખવડાવી ચિકન બિરયાની

એસિડનાં લગ્ન જાન્‍વી નામની માદા શ્વાન સાથે લેવાયાં હતાં: તેમનાં લગ્ન બાદ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો

કોચી,તા.૨૪: કોરોનાનો વ્‍યાપ છતાં કેરલામાં લોકો કંઈક નવું-અનોખું કરવા મેળાવડો કરતાં અચકાતા નથી. શેલી પી. કે. પરિવારના એસિડ નામના ડોગનાં લગ્ન થ્રિશુર જિલ્લામાં આવેલા પુન્નાયુરકુલમ ખાતે સોમવારે યોજાયાં હતાં. લગ્ન સમારંભનો સમય સવારના ૧૧થી ૧૨ વાગ્‍યાનો હતો. એસિડનાં લગ્ન જાન્‍વી નામની માદા શ્વાન સાથે લેવાયાં હતાં. તેમનાં લગ્ન બાદ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો જેમાં મહેમાનોને ભોજનમાં એસિડની ભાવતી ડિશ ચિકન બિરયાની પીરસવામાં આવી હતી. યજમાનો અને મહેમાનો એસિડ અને એની પત્‍ની જાન્‍વીને પોતાની વચ્‍ચે બેસાડીને એમની સાથે જમ્‍યા હતા.
શેલીનો પરિવાર એસિડને ફેમિલીનો એક મેમ્‍બર જ માને છે એથી એ બે વર્ષનો થતાં એના માટે પાર્ટનર શોધવાની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી પરિવાર એસિડ માટે પાર્ટનર શોધી રહ્યો હતો. ડોગ ટ્રેઇનરની મદદથી એમણે જાન્‍વીની શોધ કરી હતી. ઘણા લોકોએ આવો સમારંભ યોજવાનું કારણ પૂછયું તો શ્વાનના માલિકે કહ્યું કે એ અમારા પરિવારનો લાડકવાયો હોવાથી આ સમારંભનું આયોજન કર્યું હતું. પુન્નાયુરકુલમમાં થયેલાં આ લગ્નનો વિડિયો ઘણો વાઇરલ થયો હતો. લગ્ન બાદ શેલીના પરિવારજનો જાન્‍વીને પોતાના ઘરે લઈ ગયા હતા અને હવે એ ત્‍યાં જ રહેશે.

 

(10:16 am IST)