Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ત્રીજી લહેરની આશંકા નથી : હવે ખતરનાક વેરિયન્ટ પણ નહિ

જનસંખ્યામાં કોરોના જેટલો વધુ ફેલાશે એટલો નબળો પડશે

ઓકસફર્ડ - અસ્ટ્રાજેનેકાની રસી બનાવનાર પ્રોફેસરનો દાવો : સમય જતાં વાયરસ ઓછો ઘાતક બની માત્ર તાવ - શરદી જેવો થઇ જશે : મહિનાની અંદર કોરોના પેન્ડેમિકથી અંડેમિકમાં ફેરવાઇ જશે

નવી દિલ્હી તા. ૨૪ : કોરોના વાયરસના હવે વધારે ખતરનાક નવા વેરીયન્ટ મળવાની શકયતા નથી. સમય જતા વાયરસ ઓછો ઘાતક બનતો જશે અને કોવિડની અસર નબળી પડીને શરદી - ઉધરસ જેવી થઇ જશે. આ દાવો ઓકસફોર્ડની એસ્ટ્રેજેનેકા રસી બનાવનાર પ્રોફેસર ડેમ સારાહ ગિલ્બર્ટે કર્યો છે. રોયલ સોસાયટી ઓફ મેડીસીનના એક સેમીનારમાં ગિલ્બર્ટે કહ્યું કે દિવસે દિવસે વધુ પ્રતિરોધક ક્ષમતા હાંસલ કરી રહેલ વસ્તીમાં કોરોના વાયરસ જેટલો વધુ પ્રતિરોધક ક્ષમતા હાંસલ કરી રહેલ વસ્તીમાં કોરોના વાયરસ જેટલો વધારે ફેલાશે એટલો જ નબળો થતો જશે. તેમણે કહ્યું કે, આપણે પહેલાથી જ ચાર પ્રકારના કોરોના વાયરસ સાથે રહી રહ્યા છીએ પણ આપણે તેના અંગે વધારે નથી વિચારતા. આવી જ રીતે એકસમય આવશે. જ્યારે આપણે સાર્સ - સીઓવી - (કોવિડ)ની પણ બહુ ચિંતા નહીં કરીએ.

ગિલ્બર્ટે કહ્યું કે, કોરોના વાયરસ અત્યારે ભલે સંક્રામક હોય પણ તેના પ્રસાર માટે હવે બહુ વધારે નવા સ્થાનો નથી બચ્યા. ઓકસફર્ડ યુનિ.ની જેનર ઇન્સ્ટીટયૂટની ૫૯ વર્ષીય પ્રોફેસર ગિલ્બર્ટની આગેવાનીવાળી ટીમે જ કોરોના વિરોધી રસી કોવીશીલ્ડ ડેવલોપ કરી છે, તેમણે કહ્યું કે, હવે કોરોના વાયરસના વધુ ઘાતક વેરીયન્ટ સામે આવવાનું કોઇ કારણ નથી ેખાતું.

પ્રોફેસર ગિલ્બર્ટના દાવાથી ભારતીય નિષ્ણાંતોના એ નિષ્કર્ષને બળ મળ્યું છે કે જેમાં કહેવાયું છે કે ભારતમાં ત્રીજી લહેર આવવાની આશંકા નથી. આ પહેલા નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ડીસીઝ કંટ્રોલના ડાયરેકટર સુજીતસિંહે કહ્યું હતું કે, હવે કોરોનાનો કોઇ નવો વેરીયન્ટ આવશે તો પણ તે ત્રીજી લહેર નહીં લાવી શકે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આવતા છ મહિનામાં કોરોના પેનેડેમીકમાંથી એન્ડેમીકમાં ફેરવાઇ જશે. એન્ડેમીક એટલે એક એવો રોગ જે કાયમ ઉપસ્થિત રહે છે અને માણસ તેની સાથે જીવતા શીખી જાય છે. નિષ્ણાંતો અનુસાર, ફકત એવા વાયરસને જ કાયમ માટે ખતમ કરી શકાય છે. જે જાનવરોમાં નથી જોવા મળતા જેમકે શીતળા અને પોલીયોના વાયરસ પણ કોરોના વાયરસ જાનવરોમાં પણ જોવા મળે છે એટલે તેનાથી માણસો સંક્રમિત થતા રહેશે પણ તેની કોઇ ઘાતક અસર નહીં રહે.

(10:23 am IST)