Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

૯૫ વર્ષની દાદીએ ૩ મહિનામાં કાર ચલાવતા શીખી : ફોકડુ ડ્રાઇવિંગ

દેવાસ તા. ૨૪ : મધ્ય પ્રદેશના દેવાસની દાદી રેશમ બાઇ તંવરને જે પણ જોશે તે તેમના ફેન થઈ જશે. દાદી ખૂબ જ મોજથી કાર ચલાવે છે. દાદી એટલા માટે ચર્ચામાં છે કારણ કે તેઓ ૯૫ વર્ષનાં છે. આ ઉંમરે તેમણે કાર ચલાવતી શીખી અને હવે પોતાના આ શોખને પૂરો કરતા તેઓ દેવાસના ખુલ્લા રસ્તો પર જોઈ શકો છો. દાદી રેશમ બાઇને જે પણ વ્યકિત કાર ચલાવતા જુએ છે તે દંગ જ રહી જાય છે. રેશન બાઇનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ટ્વીટ કરી તેમના ઉત્સાહને વધાર્યો છે. દાદીના પરિવારે તેમના લાઇસન્સ માટે એપ્લાય કર્યું છે. ૧૦ વર્ષ પહેલા રેશમ બાઈ ટ્રેકટર ચલાવતા પણ શીખી ચૂકયાં છે અને એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરવામાં પણ માહેર છે.

ઉંમરના આ પડાવ પર જયારે લોકો પોતાના છેલ્લા શ્વાસ ગણતા હોય છે ત્યારે દેવાસની રેશમ બાઇ નવા ઉત્સાહ સાથે જોવા મળી રહ્યાં છે. તેમણે આ ઉંમરે પોતાનો શોખ પૂરો કર્યો છે. ૯૫ વર્ષની ઉંમરમાં તેમણે કાર ચલાવવી શીખી અને હવે ખુલ્લા રસ્તા પર ગાડી લઈને નીકળી પડે છે.

રેશમબાઇ દેવાસથી લગભગ ૮ કિલોમીટર દૂર બિલાવલીની રહેવાસી છે. તેમને કાર ચલાવવાનો શોક થયો તો પોતાની ઈચ્છા દીકરાને જણાવી. દીકરાએ પણ તાત્કાલિક પોતાની માતાની ઈચ્છા પૂરી કરી. ઉત્સાહ એટલો હતો કે દાદીએ કાર ચલાવવાનું ત્રણ મહિનામાં શીખી લીધું અને હવે ગાડી ચલાવવામાં માહેર થઈ ગયા છે. જોકે, તેમની ઉંમરના કારણે તેઓ ૨૦ કિલોમીટરથી વધારે કાર નથી ચલાવી શકતા. આ ઉપરાંત સાંકડા રસ્તાઓને બદલે મેઇન રોડ કે ફોર લેન હાઇવે પર જ કાર ચલાવવાનું પસંદ કરે છે

આ પહેલા લગભગ ૧૦ વર્ષ પહેલા રેશમ બાઈ ટ્રેકટર ચલાવવાની શીખી ચૂકી છે. છેલ્લીવાર તેમણે ત્રણ દિવસ પહેલા બિલાવલીથી દેવાસ સુધી કાર ચલાવી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ તેમનો વીડિયો ઉતાર્યો હતો જે હવે વાયરલ થઈ ગયો છે. રેશમ બાઈ સમયથી સાથે ચાલી રહી છે. તેઓ એન્ડ્રોઇડ ફોન પણ ઓપરેટ કરે છે

દાદીનો વીડિયો જેવો વાયરલ થયો તો CM શિવરાજ સિંહ ચૌહાણ સુધી પહોંચી ગયો. તેમણે ટ્વીટ કરતાં લખ્યું કે, માતાએ અમને સૌને પ્રેરણા આપી છે કે પોતાની અભિરુચિ પૂરી કરવામાં ઉંમરનું કોઈ બંધન નથી હોતું. ઉંમર ભલે કેટલી પણ હોય, જીવન જીવવાનો ઉત્સાહ હોવો જોઈએ.

રેશમ બાઈને તેમના દીકરા સુરેશ સિહે મારૂતિ ૮૦૦ કાર ચલાવતા શીખવાડી છે. કાર શીખવામાં તેમને ત્રણ મહિનાનો સમય લાગ્યો. હાલ પરિવારના સભ્યો તેમને એકલા કાર નથી ચલાવવા દેતા. પરિવારે તેમના લાઇસન્સ માટે RTOમાં અરજી કરી છે. પરંતુ તેમની ઉંમર વધુ હોવાના કારણે હજુ સુધી ત્યાંથી કોઈ રિપ્લાય નથી આવ્યો. રેશમ બાઈના ૩ દીકરા અને ૨ દીકરીઓ છે. તમામ વિવાહિત છે. પરિવારના તમામ સભ્યો સામૂહિક રીતે એક જ ઘરમાં રહે છે.

(10:24 am IST)