Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

CSIR-NCLએ RIL અને અન્ય કંપનીઓ સાથે પૂનામાં કોવિડ-19 પીપીઈ કચરામાંથી સફળતાપૂર્વક ઉપયોગી ઉત્પાદનો બનાવ્યા

કોવિડ-19 પીપીઇ કીટને બાળી નાખવાથી ગ્રીનહાઉસ ગેસ ઉત્પન્ન થાય છે અને તે ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે :આ સંશોધનના પરિણામે ઉત્સર્જનમાં અને વર્જિન પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો થશે

મુંબઈ : કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR)ની – નેશનલ કેમિકલ લેબોરેટરી (NCL), પૂનાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને પૂના સ્થિત અન્ય કંપનીઓ સાથે મળીને કોવિડ-19 પીપીઇ વેસ્ટમાંથી મોલ્ડેડ પ્લાસ્ટિક કોમ્પોનેન્ટ્સ બનાવવામાં સફળતા હાંસલ કરી છે. હાથ ધરવામાં આવેલા આ પાઇલટ પ્રોજેક્ટનું કદ વિસ્તારી શકાય છે અને સમગ્ર દેશમાં આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરીને પીપીઇ કચરામાંથી ઉપયોગી અને સુરક્ષિત ઉત્પાદનો બનાવી શકાય છે.

કોવિડ-19 મહામારી ફાટી નીકળી ત્યારથી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ (પીપીઇ), માસ્ક, ગ્લોવ્ઝ વગેરે જેવા સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓનો મોટાપાયે વપરાશ થયો છે. મે 2021માં સમગ્ર ભારતમાં દરરોજ 200 ટન કોવિડ સંબંધિત કચરો એકત્રિત થતો હતો. અત્યાર સુધી પીપીઇ વેસ્ટને સેન્ટ્રલ વેસ્ટ મેનેજમેન્ટ ફેસિલિટી (BMWM) ખાતે બાળી નાખવામાં આવે છે. બાળી નાખવાની આ પ્રક્રિયાથી ઊર્જાનો ભરપૂર વ્યય થાય છે અને વાતાવરણને નુકસાનકારક ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે.

કોવિડ-19ના પ્લાસ્ટિક કચરાનું અસરકારક રિસાયકલિંગ કરવાની જડબેસલાક પ્રક્રિયા વિકસાવવા માટે CSIR-NCL, RIL અને અન્ય કંપનીઓએ સાથે મળીને બીડું ઝડપ્યું હતું જેનાથી કોવિડ-19 પ્લાસ્ટિક કચરાને સુરક્ષિત રીતે સ્વચ્છ કરી તેને ઉપયોગી વસ્તુઓમાં પરિવર્તિત કરી શકાય તથા તેની સમગ્ર પ્રક્રિયા સુનિશ્ચિત કરીને આ ક્ષેત્રમાં કાર્યરત ઉદ્યોગો-વેપારીઓ/બજારને પારખીને પુરવઠાની શ્રૃંખલા તૈયાર કરી શકાય.

પ્રૂફ-ઓફ-કન્સેપ્ટ સ્ટડી હેઠળ, CSIR-NCLની ટીમે પીપીઇ પ્લાસ્ટિક કચરામાંથી મોલ્ડેડ ઓટોમોટિવ ઉત્પાદન તૈયાર કરવાની પ્રક્રિયા દર્શાવતો લેબોરેટરી કક્ષાનો સફળ પ્રયોગ તૈયાર કર્યો હતો, જેમાં (નિકી પ્રેસિશન એન્જિનિયર્સ, પૂના ખાતે) ભારતીય શહેરોમાં ઉપલબ્ધ હોય તેવી રિસાયકલિંગની માળખાગત સુવિધાનો ઉપયોગ કર્યો હતો.

ત્યારબાદ CSIR-NCL અને RILએ આ પ્રક્રિયા હેઠળ ઉત્પાદનને પાઇલટ પ્રોજેક્ટના સ્તરે વિકસાવવા માટે સમજૂતી પર હસ્તાક્ષર (MoU) કર્યા હતા. પૂના શહેરમાં 100 કિલોનો પાઇલટ કક્ષાનો પ્રોજેક્ટ પાર પાડવામાં આવ્યો હતો, જેમાં APPL ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, SKYi કમ્પોઝીટ્સ, હર્ષ દીપ પ્રોડક્ટ્સ, ઉર્મિલા પોલિમર્સ, જય હિંદ ઓટોટેક પ્રા. લિમિટેડ જેવી કંપનીઓએ મૂલ્યવર્ધિત ઉત્પાદનો ઉત્પાદિત કર્યા હતા. પીપીઇ કિટ્સ તરીકે જરૂરી કાચોમાલ પૂના સ્થિત વેસ્ટ મેનેજમેન્ટ કંપની પાસ્કો ઇન્વાયરનમેન્ટલ સોલ્યૂશન્સે એકત્રિત કરીને તેને જંતુમુક્ત કર્યો હતો. પાઇલટ કક્ષાના આ પરીક્ષણને પાર પાડવા માટે CSIR-NCL દ્વારા મહારાષ્ટ્ર પોલ્યૂશન નિયંત્રણ બોર્ડ પાસેથી તમામ જરૂરી પરવાનગીઓ મેળવવામાં આવી હતી.

આ સિદ્ધિ હાંસલ કરવાની CSIR-NCLની ટેક્નિકલ સફરને પાર પાડવા માટે રિલાયન્સ અને CSIR-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ (CSIR-IIP)એ સહાય કરી હતી, તેના માટે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચે ભંડોળ પૂરું પાડ્યું હતું. આ ભંડોળ ખાસ કરીને પીપીઇ કચરાને જંતુમુક્ત કરવાની અને તેના પર આસાનીથી પ્રક્રિયા કરી શકાય તેવી અવસ્થામાં લાવવાની તથા તેને પેલેટ તથા ગ્રેન્યૂઅલ્સમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા તૈયાર કરવામાં ઉપયોગી બન્યું હતું. આ પ્રક્રિયામાં એ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે પીપીઇ કચરો જે પેલેટ કે ગ્રેન્યૂઅલ્સમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે તે ખાદ્યાન્ન વપરાશની વસ્તુઓને છોડીને હાઇ-પર્ફોર્મન્સ ઓટોમોટિવ કમ્પોનેન્ટ્સ બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય.

આ પાઇલટ પ્રોજેક્ટ સમગ્ર ભારતમાં અમલમાં મૂકી શકાય છે જેનાથી ટકાઉ સરક્યુલર “ગ્રીન” ઇકોનોમી તૈયાર કરી શકાય, કે જે જે ક્ષેત્રમાં ભારતે વિકાસ નથી સાધ્યો ત્યાં તકો ઉજળી બને તથા તેનાથી ભારતના સામાજિક-પર્યાવરણીય લક્ષ્યાંકો હાંસલ કરવામાં યોગદાન પૂરું પાડી શકાય.

(10:49 am IST)