Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

મોત પહેલાં મહંતના ફોન પર ૩૫ કોલ આવ્યા હતા

સીબીઆઈની ટીમ પ્રયાગરાજ પહોંચી : એસઆઈટી મહંત નરેન્દ્ર ગિરિના મોબાઈલની સીડીઆર કાઢીને વાત કરનારા લોકો સાથે પણ પૂછપરછ કરશે

નવી દિલ્હી, તા.૨૪ : મહંત નરેન્દ્ર ગિરિની મોતની તપાસ માટે આખરે સીબીઆઈની ટીમ પ્રયાગરાજ પહોંચી ચૂકી છે. મળતી જાણકારી અનુસાર પાંચ સભ્યોની સીબીઆઈની ટીમ પ્રયાગરાજ પહોંચી છે.

અગાઉ એક નવી જાણકારી પણ સામે આવી છે. જેમાં સોમવાર એટલે કે જે દિવસે મહંતની મોત થઈ ત્યારે તેમના ફોન પર કુલ ૩૫ કોલ આવ્યા હતા. જેમાંથી ૧૮ પર તેમણે વાતચીત કરી હતી. વાતચીત કરનારમાં હરિદ્વારના કેટલાક લોકો અને બિલ્ડર પણ સામેલ હતા. એસઆઈટી નરેન્દ્ર ગિરિના મોબાઈલની સીડીઆર કાઢીને લોકો સાથે પણ પૂછપરછ કરાશે.

હરિદ્વારથી કોલ કરનારની ડિટેલ ખંગાળવા માટે હરિદ્વાર પોલીસને પણ જાણકારી મોકલવામાં આવી છે. અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનુ મોત હત્યા છે અથવા આત્મહત્યા આની તપાસ ચાલી રહી છે.

સીબીઆઈ તપાસની ભલામણ થઈ છે. હાલ મહંત નરેન્દ્ર ગિરિના પ્રિય શિષ્ય આનંદ ગિરિ કેસમાં ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આનંદ ગિરિની નરેન્દ્ર ગિરિના મોતમાં શુ સંડોવણી છે, સંડોવણી છે કે નહીં તપાસ બાદ સ્પષ્ટ થશે. સંપત્તિના વિવાદમાં ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

મહંત નરેન્દ્ર ગિરિ મહારાજ જે અખાડા પરિષદના અધ્યક્ષ હતા એની સંપત્તિ હજાર કરોડ કરતાં વધુ હોવાનું કહેવાય છે. મહંત નરેન્દ્ર ગિરિના મૃત્યુ અંગે તપાસ શરૃ થઈ છે.

દરમિયાન અખાડાની સંપત્તિનો મુદ્દો ફરીથી ચર્ચાસ્પદ બન્યો છે. મહંત નરેન્દ્ર ગિરિ અખાડા પરિષદના અધ્યક્ષ હતા. અખાડા પરિષદ કુલ ૧૩ અખાડાની બનેલી છે. એમાંય નરેન્દ્ર ગિરિ વાઘમ્બરી મઠ અને નિરંજની અખાડા ઉપર વિશેષ પ્રભાવ ધરાવતા હતા. વાઘમ્બરી મઠ પાસે પ્રયાગરાજના અલ્કાપુરીમાં પાંચથી વીઘા જમીન છે.

અખાડાના નામે એક શાળા, ગૌશાળા છે. તે સિવાય પ્રયાગરાજનું વિખ્યાત હનુમાન મંદિર પણ વાઘમ્બરી મઠના સંચાલનમાં આવે છે. મિર્ઝાપુરના મહુઆરીમાં વાઘમ્બરી મઠની ૪૦૦ વીઘા જમીન હોવાનું કહેવાય છે. મિર્ઝાપુરના નૈડીમાં ૭૦ અને સિગડામાં ૭૦ વીઘા જમીન વાઘમ્બરી મઠની છે.

પ્રયાગરાજના માન્ડામાં પણ ૧૦૦ વીઘા જમીન મઠની માલિકીની છે. બધું મળીને એક હજાર કરોડ રૃપિયાની સંપત્તિ હોવાનો દાવો થઈ રહ્યો છે. પ્રયાગરાજ અને આસપાસના વિસ્તારોમાં નિરંજની અખાડાની ૩૦૦ કરોડથી વધુની સંપત્તિ છે. હરિદ્વાર અને બીજા રાજ્યોમાં પણ અખાડાઓની સંપત્તિ છે.

બધું ગણતરીમાં લઈએ તો અખાડાની સંપત્તિ હજારો કરોડને પાર પહોંચે છે. નિરંજની અખાડાની તો ઉજ્જૈન, જયપુર, આબુ સહિતના શહેરોમાં જમીનો છે. નોઈડા, વારાણસીમાં પણ મંદિરો છે.

(7:54 pm IST)