Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

તાલિબાનના સામના માટે મજબૂત વિપક્ષ તૈયાર થશે

અફઘાન પર કબજા બાદ તાલિબાનોની મુશ્કેલી વધી : પૂર્વ રાષ્ટ્રપતિ કરજાઈ, ડો.અબ્દુલ્લાહ, તાલિબાન વિરોધી નેતા મસૂદ તેમજ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એક બીજાના સંપર્કમાં

નવી દિલ્હી, તા.૨૪ : અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા તો કબ્જે કરી લીધી છે પણ તેને બહુ જલ્દી મજબૂત રાજકીય વિપક્ષનો સામનો કરવાનો વારો આવી શકે છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ હમિદ કરજાઈ, ડો.અબ્દુલ્લાહ તેમજ તાલિબાન વિરોધી રેસિસટન્સ ફોર્સના નેતા અહેમદ મસૂદ તેમજ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા એક બીજાના સંપર્કમાં છે.

ગની સરકારના સમયગાળામાં ૭૦ દેશોમાં રાજદૂત તરીકે તેનાત થયેલા લોકો પણ વાતચીતમાં સામેલ છે અને બહુ જલ્દી તાલિબાન સામે એક મજબૂત રાજકીય વિકલ્પ ઉભો થઈ શકે છે.

સૂત્રોના કહેવા પ્રમાણે અફઘાનિસ્તાન બહાર ગઠબંધન નિર્વાસિત સરકાર પણ બનાવી શકે છે. હિલચાલના પગલે દુનિયાના બીજા દેશો તાલિબાનને માન્યતા આપવામાં ઉતાવળ પણ નહીં કરે. સૂત્રોનુ કહેવુ છે કે, તમામ દાવા પછી પણ તાલિબાનની સરકાર વ્યાપક રીતે પ્રભાવ ઉભો કરી શકી નથી.

મહિલાઓને પણ તેમના હક આપવામાં આવી રહ્યા નથી અને તાલિબાન દ્વારા લોકો પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે ત્યારે તાલિબાન સામે રાજકીય વિકલ્પ ઉભો કરવો જરૃરી છે.

(7:57 pm IST)