Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

મીઠાઈની ચોરી કરનારા કિશોરને કોર્ટે છોડી મુક્યો

બિહારની કોર્ટનો અનોખો ચર્ચાસ્પદ ચુકાદો : નાના મોટા ગુનામાં પોલીસ ફરિયાદ કરવાનું શક્ય હોય તો ટાળવા, આરોપીને મુખ્યધારામાં લાવવા પોલીસને ટકોર

નાલંદા, તા.૨૪ : બિહારના નાલંદા જિલ્લામાં એક કિશોર દ્વારા મિઠાઈ અને મોબાઈલ ચોરવાના કેસમાં અદાલતે એક નવતર પ્રકારનો ચુકાદો આપીને કિશોરને છોડી મુક્યો હતો. સાથે સાથે કોર્ટે બાળ રિમાન્ડ હોમને કિશોરની સારી રીતે દેખરેખ કરવાનો પણ હુકમ કર્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે, જો ભગવાન કૃષ્ણ દ્વારા માખણ ચોરીને બાળ લીલા ગણવામાં આવતી હોય તો મિઠાઈની ચોરી કેવી રીતે ગુનો બને.

સાથે સાથે કોર્ટે પોલીસને ચેતવણી આપી હતી કે, નાના મોટા ગુનામાં પોલીસ ફરિયાદ કરવાનુ શક્ય હોય તો ટાળો અને આવા કેસમાં આરોપીને સમાજની મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ કરો.

કોર્ટે કિશોર પર કેસ કરનાર મહિલાને પણ સહિષ્ણુ બનવાની અને સહનશીલતા રાખવાની શીખામણ આપીને કહ્યુ હતુ કે, જો તમારો પોતાનો દીકરો મિઠાઈ કે મોબાઈલ ચોરત તો તમે પોલીસને સોંપી દેત કે તેને સમજાવત? કિશોરના વાલીનુ કહેવુ છે કે, તેના પિતા બીમારીથી પિડાય છે અને મા માનસિક રીતે દિવ્યાંગ છે. પરિવારમાં આવકનુ કોઈ સાધન નથી.

ચોરીની ઘટના ત્યારે બની હતી જ્યારે તે મામાના ઘરે આવ્યો હતો. મામા અને નાનીનુ પણ મોત થયુ હતુ. કિશોર ભૂખ્યો હતો અને તે પાડોશીના ઘરે જતો રહ્યો હતો અને ફ્રિજમાં મુકેલી મિઠાઈ ખાઈ લીધી હતી અને બાળસહજ રીતે ફ્રિઝ પર મુકેલો મોબાઈલ લઈને રમવા માંડ્યો હતો.

(7:58 pm IST)