Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

IPL - 2021 : ધોનીના ધુરંધરોએ કોહલીની RCBને રગદોળી નાંખી : CSKનો 6 વિકેટ શાનદાર વિજય

વિરાટ કોહલી અને પડીક્કલની ફીફટી એળે ગઇ : બેંગ્લોરના 157 રનના પડકારને 18.1 ઓવરમાં જ પૂર્ણ કર્યો

મુંબઈ : IPL 2021 ની 35 મી મેચ શારજાહમાં રમાઇ હતી. આઇપીએલની બે દિગ્ગજ ટીમો જ નહી પરંતુ બે બે દિગ્ગજ કેપ્ટનોનો પણ આમનો સામનો થયો હતો. ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી આ મેચ ચેન્નાઇ એ જીતી લીધી હતી. આમ વિરાટ કોહલી અને પડીક્કલની ફીફટી એળે ગઇ હતી. એમએસ ધોનીની  ટીમે બેંગ્લોરના 157 રનના પડકારને 18.1 ઓવરમાં જ 157 રન કરીને જીત મેળવી હતી.

બેંગ્લોરની ટીમની શરુઆત સારી રહી હતી. ટીમના બંને ઓપનરો વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે  જબરદસ્ત શરુઆત અપાવી હતી. બંનેની પાર્ટનરશીપનો અંત આવતા જ બેંગ્લોરનુ સ્કોર બોર્ડ મંદ પડી ગયુ હતુ. જવાબમાં ચેન્નાઇની ટીમના ઓપનરોએ ફણ સારી શરુઆત અપાવી હતી. સુરેશ રૈનાએ શાનદાર રમત રમીને ટીમને જીત સુધી પહોંચાડી હતી.

રન ચેઝ કરવા માટે મેદાને ઉતરેલી ચેન્નાઇની ટીમે સારી શરુઆત કરી હતી. ચેન્નાઇના ઓપનરો ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે સારી શરુઆત અપાવી હતી. બંને એ 71 રનની ભાગીદારી રમત રમી હતી. ગાયકવાડે 26 બોલમાં 38 રન કર્યા હતા. જ્યારે પ્લેસિસે 26 બોલમાં 2 ચોગ્ગા અને 2 સિક્સરની મદદ વડે 31 રન કર્યા હતા. ઓલરાઉન્ડર મોઇન અલીએ 18 બોલમાં 23 રન કર્યા હતા. તેણે 2 સિક્સર લગાવી હતી.

ત્યાર બાદ અંબાતી રાયડૂએ રમતને આગળ સંભાળવા પ્રયાસ કર્યો હતો. તેમે 22 બોલમાં 32 રન કર્યા હતા. રાયડૂએ 3 ચોગ્ગા અને 1 સિક્સર લગાવી હતી. સુરેશ રૈના (Suresh Raina) એ જીત સુધી અણનમ રમત રમી હતી. તેમે 10 બોલમાં 17 રન કર્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવ્યા હતા. ધોનીએ 2 ચોગ્ગાની મદદ થી 11 રનની અણનમ રમત 9 બોલમાં રમી હતી.

સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારો હર્ષલ પટેલ ચેન્નાઇ સામે ફરી એકવાર ચમક્યો હતો. તેણે 2 વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરના સ્પેલમાં 26 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. ગ્લેન મેક્સવેલે પણ એક વિકેટ મેળવી હતી. ચેન્નાઇના બોલરોની માફક આરસીબીના બોલરોએ પણ વિકેટ માટે તરસતા રહેવુ પડ્યુ હતુ. હસારંગાએ 4 ઓવરામાં 40 રન આપ્યા હતા. તે વિકેટ મેળવવામાં સફળ રહ્યો નહોતો.

ટોસ હારીને મેદાને ઉતરેલી RCB ની ટીમને તેના ઓપનરોએ સારી શરુઆત અપાવતા રાહત સર્જાઇ હતી. કેપ્ટન વિરાટ કોહલી અને પડિક્કલ બંને વચ્ચે 111 રનની ભાગીદારી રમત રમાઇ હતી. તેણે 50 બોલમાં 70 રન કર્યા હતા. વિરાટ કોહલીના રુપમાં આરસીબીએ પ્રથમ વિકેટ ગુમાવી હતી. કોહલીએ 41 બોલમાં 53 રન કર્યા હતા. તે બ્રાવોના બોલને ફટકારવામાં જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. એબી ડિવલીયર્સ 11 બોલમાં 12 રન કર્યા હતા.

ગ્લેન મેક્સવેલે 9 બોલમાં 11 રન કર્યા હતા. જ્યારે ટિમ ડેવિડે 3 બોલમાં 1 રન કર્યો હતો. હર્ષલ પટેલ 5 બોલમાં 3 રન કરીને આઉટ થયો હતો. વાનિન્દુ હસારંગા 1 રન કરીને અણનમ રહ્યો હતો. અંતિમ ઓવરમાં બે વિકેટ આરસીબીએ ગુમાવી હતી.

ધોનીની ટીમના બોલરો વિકેટ મેળવવા માટે આજે સંઘર્ષ કરી રહ્યા હતા. સ્વાભાવિક છે. બેટીંગ માટે મજબૂત મનાતી આરસીબીની ટીમની વિકેટ મેળવવી અઘરી રહેતી હોય છે. શારજાહના નાનકડા ગ્રાઉન્ડ પર બોલરોએ રન લુટાવવાની મજબૂરી હતી. જોકે કોહલી અને પડિક્કલની જામી ચુકેલી ઓપનીંગ જોડીને તોડવામાં ડ્વેન બ્રાવોએ સફળતા મેળવી હતી. તેણે 3 વિકેટ મેળવી હતી. શાર્દૂલ ઠાકુરે 2 વિકેટ ઝડપી હતી. દિપક ચાહરે 1 વિકેટ મેળવી હતી. જાડેજાએ 4 ઓવરમાં 31 રન આપ્યા હતા, પરંતુ વિકેટ થી નિરાશ રહ્યો હતો.

(11:32 pm IST)