Gujarati News

Gujarati News

News of Saturday, 23rd September 2023

મહિલા અનામત બિલ 10 વર્ષ પછી લાગૂ થશે:અમલ આડે વસ્તીગણતરી અને સીમાંકન મોટી અંતરાયરૂપ : રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું-સરકાર જાતિ ગણતરી પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે.

નવી દિલ્હી :લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરતું મહિલા અનામત બિલ રાજ્યસભામાં સર્વાનુમતે પસાર થઈ ગયું છે. બંને ગૃહમાંથી બિલ પાસ થયા બાદ દિલ્હી ભાજપ હેડક્વાર્ટરમાં પીએમ મોદીની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી. બીજી તરફ નારી શક્તિ વંદન બિલને લઈને પ્રેસ કોન્ફરન્સને સંબોધતા બિલની ખામીઓને ગણાવતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે સરકાર જાતિ ગણતરી પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે

 મહિલા અનામત બિલ અંગે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે મહિલા અનામત બિલ ગૃહમાં લાવવામાં આવ્યું હતું, બિલમાં બે બાબતો સંબંધિત જોવા મળી હતી, જેમાંથી એક એ કે મહિલા અનામત પહેલા વસ્તીગણતરી થશે અને બીજું સીમાંકન કરવાનું હશે અને આ બંને કરાવવા માટે ઘણાં વર્ષ લાગી જશે. મહિલા અનામત આજે કરી શકાય તેમ છે. પરંતુ સરકાર તે કરવા માંગતી નથી. હકીકત એ છે કે તે આજથી 10 વર્ષ પછી તેનો અમલ થશે. ઓબીસી વસ્તીગણતરીમાંથી ડાયવર્ઝન થઈ રહ્યું છે, મેં સંસદમાં માત્ર એક સંગઠન વિશે વાત કરી, જે ભારત સરકાર ચલાવે છે, કેબિનેટ સચિવ અને અન્ય તમામ સચિવો, મેં આ અંગે એક પ્રશ્ન પૂછ્યો હતો. વડાપ્રધાન આટલું બધું કામ કરી રહ્યા છે તો 90 માંથી માત્ર 3 લોકો જ ઓબીસી સમુદાયના કેમ છે… ઓબીસી અધિકારીઓનું ભારતના બજેટ પર 5% નિયંત્રણ છે. વડાપ્રધાન દરરોજ ઓબીસીની વાત કરે છે પરંતુ ઓબીસી માટે તેમણે શું કર્યું?

કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે મેં માત્ર એ પ્રશ્ન પૂછ્યો હતો કે શું ભારતમાં ઓબીસીની વસ્તી 5% છે ? જો નહીં, તો ભારતમાં કેટલા ઓબીસી છે અને તેમને ભાગીદારી મળવી જોઈએ. ભાજપે વસ્તી ગણતરી અને સીમાંકનને હટાવીને મહિલાઓને ભાગીદારી આપવી જોઈએ. વસતી ગણતરી અંગે અમે જે ડેટા એકત્ર કર્યો હતો તે જાહેર થવો જોઈએ જેથી દરેકને ખબર પડે કે ત્યાં કેટલા ઓબીસી છે અને નવી વસ્તી ગણતરી જાતિના આધારે કરવી જોઈએ.

જ્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે 2010માં યુપીએ સરકાર દ્વારા લાવવામાં આવેલા બિલ હેઠળ ઓબીસી ક્વોટા આપવામાં આવ્યો ન હતો, શું તેમને એ બાબતે ખેદ છે , તો રાહુલ ગાંધીએ કહ્યું, 100% અફસોસ છે. આ તો તે સમયે જ થવું જોઈતું હતું અને હવે અમે તે પૂરું કરીને છોડીશું.

(12:18 am IST)