Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ચીને સ્‍ટીલનું પ્રોડકશન ઘટાડતા રાજકોટના એન્‍જીનિયરીંગ ઉદ્યોગોને અસર પહોંચી

રાજકોટના ઉદ્યોગો આયાતી સ્‍ટીલ પર મોટાભાગે નિર્ભર છે : ઓટોમોટીવ ઇન્‍ડસ્‍ટ્રી કન્‍ડકટર ચીપ અને સ્‍ટીલની અછતનો સામનો કરે છે

રાજકોટ તા. ૨૩ : સ્‍ટીલના સૌથી મોટા ઉત્‍પાદક ચીને પર્યાવરણીય મુદ્દાઓને ધ્‍યાનમાં રાખીને કાર્બન ઉત્‍સર્જન ઘટાડવા અને સ્‍મોગ પોલ્‍યુશનને નીચું લાવવા માટે પોતાની સ્‍ટીલ મીલો ખાસ કરીને દેશના ઉત્તરીય ભાગની મીલોને નવેમ્‍બરથી માર્ચ દરમિયાન ઉત્‍પાદન ઘટાડવા કહ્યું છે કેમકે તે ૨૦૨૨ના ઓલમ્‍પીકસનું હોસ્‍ટ બનવાનું છે. આમ પણ ત્‍યાં ચાલી રહેલ પાવર ક્રાઇસીસે ઘણી કંપનીઓને ઉત્‍પાદન ઘટાડવા મજબૂર કરેલી જ છે.
આ સમાચારથી રાજકોટનું એન્‍જીનિયરીંગ સેકટર ચિંતામાં મુકાયું છે કેમકે મોટાભાગના ઓટોપાર્ટસ ઉત્‍પાદકો આયાતી સ્‍ટીલ પર આધાર રાખે છે. રાજકોટ ઓટો મોબાઇલ પાર્ટસનું હબ છે. એક રફ અંદાજ અનુસાર કુલ આયાતી સ્‍ટીલના ૩૦ ટકા રાજકોટ એન્‍જીનિયરીંગ સેકટરમાં વપરાય છે.
રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ કહ્યું કે, ઓટોમોટીવ ઇન્‍ડસ્‍ટ્રી અત્‍યારે કન્‍ડકટર ચીપ્‍સ અને સ્‍ટીલની અછતનો સામનો કરી રહી છે. આ ઇન્‍ડસ્‍ટ્રી માટે આ બન્‍ને ચીજો મહત્‍વના કાચા માલ છે.
રાજકોટ એન્‍જીનીયરીંગ એસોસીએશન (આરઇએ)ના પ્રમુખ પરેશ વસાણીએ કહ્યું કે, વૈશ્વિક અછતના કારણે ભારતીય સ્‍ટીલ કંપનીઓએ પણ ૫૦ ટકા જેટલો ભાવ વધારો કરતા અમારા માટે અસ્‍તિત્‍વ ટકાવવું અઘરૂં બની ગયું છે. ભારતનું સ્‍ટીલ ઉત્‍પાદન ચીનના કુલ ઉત્‍પાદનના ૨૫ ટકા જેટલું છે. હવે ચીનના નવા એજન્‍ડા અનુસાર ત્‍યાં સ્‍ટીલ ઉત્‍પાદનના ઘટાડાની સૌથી ખરાબ અસર ઓટોમોબાઇલ સેકટરને થશે જે સ્‍ટીલનું સૌથી મોટું ગ્રાહક છે.

 

(11:07 am IST)