Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

લદ્દાખ પછી હવે તવાંગમાં ભારત-ચીન વચ્‍ચે ટેન્‍શન

યુધ્‍ધની તૈયારીઓ કરી રહ્યુ છે ચીન !!!

નવી દિલ્‍હી, તા. ૨૩ :. છેલ્લા એક વર્ષ કરતા વધારે સમયથી ભારત અને ચીન વચ્‍ચે એલઓસી પર ચાલી રહેલો વિવાદ રોકાવાનું નામ નથી લેતો. બન્ને દેશો વચ્‍ચે ફોર કમાન્‍ડર લેવલ ૧૩ તબક્કાની મીટીંગ થઈ ચૂકી છે પણ હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્‍યું. આ દરમ્‍યાન લદ્દાખ પછી પૂર્વોત્તરના તવાંગમાં પણ ભારત અને ચીન વચ્‍ચે તણાવ વધતો જાય છે. તવાંગમાં પોતાની સેનામાં વધારો કરીને ચીન કોઈ નાપાક હરકતને અંજામ આપવાની કોશિષમાં લાગેલુ છે.
ટેલીગ્રાફના સૂત્રો અનુસાર ચીની સેનાએ અરૂણાચલ પ્રદેશના તવાંગમાં એલએસી પાસે મોટી સંખ્‍યામં પોતાની ચોકીઓ મજબૂત કરી છે અને ઘણી હંગામી સૈન્‍ય શિબિરો પણ લગાવી છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ ટેલીગ્રાફ સાથે વાતચીતમાં કહ્યુ કે ચીની સેનાએ અરૂણાચલમાં એલએસી પાસે ભારે પ્રમાણમાં પોતાના માળખાનું મજબૂતીકરણ કર્યુ છે અને ઘણી હંગામી શિબિરો લગાવી છે જે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યુ કે ચીની સેનાએ સરહદની પાસે ઘણો સૈન્‍ય સરંજામ લાવીને પોતાના પ્રશિક્ષણને પણ તેજ બનાવ્‍યુ છે.
તેમણે એમ પણ કહ્યું કે ભારતીય સેના આ ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહી છે. ચીની સેના દ્વારા પોતાની ચોકીઓને મજબૂત કરાતી જોઈને લાગે છે કે તે ભારતીય સરહદમાં ઘુસણખોરીની યોજના બનાવી રહ્યા છે. ગયા વર્ષે મે મહિનામાં લદ્દાખમાં તેમણે આવું જ કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે ભારત-ચીન વચ્‍ચે ૩૪૮૮ કિલોમીટર લાંબી સરહદ છે. આ સરહદ જમ્‍મુ-કાશ્‍મીર, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, સિક્કીમ અને અરૂણાચલ પ્રદેશમાંથી પસાર થાય છે. લગભગ ૧૩૪૬ કિલોમીટર લાંબી સરહદ ફકત પૂર્વ ક્ષેત્રમાં છે. જેમા તવાંગમાં ૨૭૦ કિલોમીટર લાંબી સરહદ છે. બન્ને દેશો વચ્‍ચે સરહદ બાબતે સંપૂર્ણપણે કોઈ સમજુતી નથી થઈ કે ના તો કોઈ યોગ્‍ય સીમાંકન કરવામાં આવ્‍યુ છે. એટલે ચીન અવારનવાર ભારતીય હદમાં ઘુસણખોરીના પ્રયાસો કરતુ રહે છે. એટલુ જ નહી ચીન પૂર્વ સેકટરમાં અરૂણાચલ પ્રદેશ પર પણ પોતાનો દાવો કરીને કહે છે કે તે દક્ષિણ તિબેટનો ભાગ છે.

 

(11:44 am IST)