Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

દિગજ્જ અભિનેત્રી મીનુ મુમતાઝનું કેનેડામાં નિંધન : 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

50 અને 60ના દાયકામાં મુમતાઝે બલરાજ સાહની, ગુરૂદત્ત જેવા દિગ્ગજ અભિનેતાઓ સામે મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરેલું : મીનુ મુમતાઝ કોમેડિયન મહેમુદ અલીના બહેન મુમતાઝના ભાઈ અનવર અલીએ ઓફિશિયલી આ માહિતી જાહેર કરી

મુંબઈ : હિન્દી સિનેમાના 50ના દાયકાના બોલિવુડના દિગ્ગજ અભિનેત્રી મીનુ મુમતાઝનું 79 વર્ષની ઉંમરે આજે તા. 23મી ઓક્ટોબરના રોજ નિધન થયું છે. મીનુ મુમતાઝે કેનેડા ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. મુમતાઝના ભાઈ અનવર અલીએ ઓફિશિયલી આ માહિતી જાહેર કરી છે. મીનુ મુમતાઝ કોમેડિયન મહેમુદ અલીના બહેન હતા. 50 અને 60ના દાયકામાં મુમતાઝે બલરાજ સાહની, ગુરૂદત્ત જેવા દિગ્ગજ અભિનેતાઓ સામે મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું.

તેમણે 1950 અને 1960 એમ બે દાયકા દરમિયાન અનેક હિંદી ફિલ્મોમાં કામ કર્યું હતું. મુમતાઝે ફિલ્મોમાં ડાન્સર અને કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેમનું સાચું નામ માલિકુન્નીસા અલી હતું. ફિલ્મો આવ્યા બાદ અભિનેત્રી મીના કુમારીએ તેમનું નામ મીનૂ પાડ્યું હતું. મીનૂએ સ્ટેજ ડાન્સર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ 50ના દશકામાં તે ડાન્સર તરીકે અનેક ફિલ્મોમાં જોવા મળી હતી.

મીનુ મુમતાઝની પ્રથમ ફિલ્મ સખી હાતિમ હતી જેમાં તેઓ બલરાજ સાહનીના ઓપોઝિટ લીડ રોલમાં જોવા મળ્યા હતા. મુમતાઝ ગુરૂ દત્તની પણ અનેક ફિલ્મોમાં જોવા મળ્યા હતા. કાગઝ કા ફૂલ, ચૌંદવી કા ચાંદ, સાહિબ બીવી ઓર ગુલામ, તાજમહલ, ઘૂંઘટ, ઈન્સાન જાગ ઉઠા, ઘર બસાકે દેખો, ગઝલ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

તેમણે 1963ના વર્ષમાં ડાયરેક્ટર એસ અલી અકબર સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્ન દ્વારા તેમને 3 દીકરીઓ અને એક દીકરો છે. તેઓ ઘણાં સમયથી કેનેડા રહેતા હતા અને જિંદગીના અંતિમ શ્વાસ પણ ત્યાં જ લીધા.

(12:12 pm IST)