Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

અલાહાબાદ હાઇકોર્ટે આપ્યો ચુકાદો

ઓબીસીમાં અસફળ થયેલ વિદ્યાર્થીને જનરલ કેટેગરી કરતાં વધારે માર્કસ હોય તો નિમણુંકનો અધિકાર

રિઝર્વ્ડ કેટેગરી અને ઓપન કેટેગરીની મહિલા પરીક્ષાર્થીનાં સંબંધે એક મહત્વનો ચુકાદો આપ્યો

નવી દિલ્હી, તા.૨૩: અલાહાબાદ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં કહ્યું હતું કે રિઝર્વ્ડ કેટેગરીની મહિલા પરીક્ષાર્થીને જો જનરલ કેટેગરીની મહિલા કરતાં વધારે માર્કસ આવે તો તેનું પોસ્ટિંગ થવું જોઈએ.

ઓબીસી કેટેગરીની મહિલા ઉમેદવારને સામાન્ય કેટેગરીના પસંદ કરેલા મહિલા ઉમેદવાર કરતાં વધુ ગુણ મેળવે તો નિમણૂક મેળવવાનો અધિકાર છે.  કોર્ટે કોન્સ્ટેબલ ભરતી ૨૦૧૮ માં પછાત વર્ગોના આરક્ષણમાં સામાન્ય કવોટાના પસંદ કરેલા મહિલા ઉમેદવાર કરતાં વધુ ગુણ મેળવ્યા હોવા છતાં તેઓને પોસ્ટિંગ ન મળવાને ખોટું ઠરાવ્યું હતું અને તેને ભેદભાવપૂર્ણ ગણાવ્યુ હતું.

કોર્ટે પોલીસ ભરતી બોર્ડ અને રાજય સરકારને સૌરવ યાદવ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ અરજદારોની ત્રણ મહિનાની અંદર નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો. રૂચિ યાદવ અને અન્ય ૧૫ અને પ્રિયંકા યાદવ અને અન્ય લોકોની અરજીઓ પર એડવોકેટ સીમંત સિંહ અને સરકારી વકીલને સાંભળ્યા બાદ જસ્ટિસ અશ્વની કુમાર મિશ્રાએ આ આદેશ આપ્યો છે.

એડવોકેટ સીમંત સિંહે કહ્યું કે અનામતમાં અરજદારોને કટ ઓફ મેરિટ કરતા ઓછા માકર્સ મળ્યા છે. આ કારણે તેની પસંદગી થઈ શકી નથી. એડવોકેટ શ્રી સિંહે જણાવ્યું હતું કે હજુ પણ દ્યણી જગ્યાઓ ખાલી છે અને અરજદારોને સામાન્ય કેટેગરીની છેલ્લી પસંદગી પામેલ મહિલા ઉમેદવારના માકર્સ કરતાં વધુ માકર્સ મળ્યા છે.

આવી સ્થિતિમાં, અરજદારોએ પોસ્ટિંગની માંગ કરી હતી, તેના આધારે તેમની સાથે નિમણૂક આપવામાં કોઈ ભેદભાવ થઈ શકે નહીં. સરકારે કહ્યું કે અરજદારો અનામતનો બેવડો લાભ મેળવી શકતા નથી. જો તેઓ પછાત વર્ગના મહિલા કવોટામાં સફળ ન થયા હોય, તો તેઓ સામાન્ય વર્ગના મહિલા કવોટાની સમાનતાની માંગ કરી શકે નહીં. કોર્ટે આ દલીલને સ્વીકારી ન હતી અને સામાન્ય કવોટાની મહિલા ઉમેદવારો કરતાં વધુ માર્કસના આધારે પછાત વર્ગની મહિલા ઉમેદવારોની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે જે ઉમેદવારો કટ ઓફ મેરિટ માર્કસ કરતાં વધુ મેળવે છે તેમને નિમણૂક નકારી શકાય નહીં.

(1:12 pm IST)