Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

અફઘાનિસ્તાન રહેતા શીખોને તાલિબાને આપી ધમકી : અકાલી દળે કહ્યું- ભારત સરકારે કરવો જોઈએ હસ્તક્ષેપ

અકાલી દળ ટૂંક સમયમાં સમગ્ર મામલો કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી સમક્ષ ઉઠાવશે.

નવી દિલ્હી :અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ત્યાં રહેતા લોકોની સ્થિતિ વધુ ખરાબ બની છે. અફઘાનિસ્તાન હવે શીખો અને અન્ય લઘુમતી ધર્મના લોકો માટે સુરક્ષિત દેશ નથી. તાલિબાન અફઘાનિસ્તાનમાં રહેતા શીખોને ધમકી આપે છે. અફઘાનિસ્તાનમાં સમગ્ર શીખ સમુદાય તાલિબાનના ડરને કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અફઘાનિસ્તાનમાં હાલમાં લગભગ 180 અફઘાન શીખો અને હિન્દુઓ છે.

તાલિબાન દ્વારા શીખોને ધમકાવવાના મુદ્દે અકાલી દળના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને પંજાબના પૂર્વ મંત્રી દલજીત સિંહ ચીમાએ કહ્યું કે, આ મામલો ખૂબ જ ગંભીર છે અને ભારત સરકારે આ મામલામાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ અને શીખોની સાથે અફઘાનિસ્તાનમાં રહેતા અન્ય લઘુમતી ધર્મના લોકોને પણ અફઘાનિસ્તાનમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

દલજીત સિંહ ચીમાએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા બાદથી શીખો પર ઘણા હુમલા થયા છે અને તે સ્પષ્ટ છે કે અફઘાનિસ્તાન હવે શીખ અને અન્ય લઘુમતી ધર્મોના લોકો માટે સલામત સ્થળ નથી. ચીમાએ કહ્યું કે અકાલી દળ ટૂંક સમયમાં આ સમગ્ર મામલો કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ઉઠાવશે.

તેમણે કહ્યું કે અકાલી દળની સાથે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ પણ આ બાબતે ભારત સરકારને સંપૂર્ણ સહકાર આપશે જેથી શીખોને જલ્દીથી ભારતમાં લાવી શકાય. ચીમાએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં રહેતા શીખોનો સમય ઘણો ઓછો છે. તેથી પંજાબ સરકારે પણ આ મામલો કેન્દ્ર સરકાર સાથે સત્તાવાર રીતે ઉઠાવવો જોઈએ અને અફઘાનિસ્તાનમાં રહેતા શીખોને બને તેટલી વહેલી તકે ભારત લાવવા માટેના પ્રયાસ શરૂ કરવા જોઈએ.

(1:30 pm IST)