Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

સટ્ટાબાજોમાં પણ ભારત ફેવરીટઃ પાક.ઉપર કોઈ દાવ લગાવવા તૈયાર નથીઃ મેચમાં ૧ હજાર કરોડનો સટ્ટો

મેચ અગાઉ જ પાક. બોલર મોહમ્મદ આમીરે હાર સ્વીકારી લીધીઃ કાળા બજારમાં ટિકિટો પણ ત્રણ ગણા ઉંચા ભાવે વેચાઈ

નવીદિલ્હીઃ ટી ૨૦ વર્લ્ડ કપમાં ભારત- પાકિસ્તાન મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ તમામ ટિકિટો તેમની મૂળ કિંમત કરતાં ૩૦૦ ગણી વધુ કિંમતે વેચાઈ છે. દરમિયાન આ મેચ ઉપર સટ્ટાબાજીનું બજાર પણ ઉંચી સપાટીએ પહોંચી રહ્યું છે. અધધધ... ૧ હજાર કરોડથી વધુ દાવ લગાવવામાં આવ્યા છે.

ક્રિકેટમાં સટ્ટાબાજી સામે સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય બની છે. દિલ્હી અને મુંબઈમાં પણ સેંકડો પંટરો અને બુકીઓ સક્રિય છે.

દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાની બોલર મોહમ્મદ આમીરે મેચ પહેલા હાર સ્વીકારી લીધી છે. તેણે કહ્યું કે મેચમાં ભારતની જીતની સંભાવનાઓ ઘણી વધારે છે. ૨૪ ઓકટોબરના મહાભારત મુજબ પાકિસ્તાન પર ભારતનો ભારે હાથ છે.  ખેલાડીઓ છેલ્લા ઘણા સમયથી દુબઈમાં ક્રિકેટ રમી રહ્યા છે. એટલા માટે ટીમ ઈન્ડિયા પાસે મેદાન અને પીચ પર વધુ અનુભવ છે.

આમ તો ભારતે પાકિસ્તાન સામે ટી૨૦ વર્લ્ડ કપમાં હંમેશા જીત મેળવી છે. આ સિવાય જો આપણે છેલ્લા ૧૦ વર્ષમાં ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં બંને ટીમોના આંકડા પર નજર કરીએ, તો ભારતની જીત ટકાવારી  તેમાં પણ પાકિસ્તાન કરતા સારી છે. ભારતે છેલ્લા ૧૦ વર્ષમાં ૧૧૫ ટી૨૦  આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે ૭૩માં જીત અને ૩૭માં હારનો સામનો કવરો પડયો છે. તે જ સમયે, ૨ મેચ ટાઈ છે અને ૩ અનિર્ણિત છે.

આ દરમિયાન તેની જીતની ટકાવારી ૬૩.૫ રહી છે. બીજી બાજુ, પાકિસ્તાને છેલ્લા ૧૦ વર્ષમાં ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૫૯.૭ ટકા જીત મેળવી છે.

(2:49 pm IST)