Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

અનન્યા પાંડેને સમીર વાનખેડેએ લગાવી ફટકાર

આ એનસીબી ઓફિસ છે, કોઇ પ્રોડકશન હાઉસ નથી

મુંબઇ,તા. ૨૩: નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોના અધિકારી સમીર વાનખેડેએ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેને પૂછપરછ માટે બોલાવી હતી. પરંતુ તે સતત નિર્ધારિત સમય કરતા મોડી આવતા તેમણે તેમણે અનન્યા પાંડેને બરાબર ફટકાર લગાવી. સૂત્રોના હવાલે આવેલા ખબર મુજબ શુક્રવારે થયેલી પૂછપરછમાં પણ અનન્યા પાંડે મોડેથી પહોંચી હતી. ત્યારબાદ એનસીબીના ઝોનલ ડાયરેકટરે પૂછપરછ શરૂ કરતા પહેલા આકરી ફટકાર લગાવી હતી.

એનસીબીએ શુક્રવારે સતત બીજા દિવસે અનન્યાને પૂછપરછ માટે બોલાવી હતી. એનસીબીએ અનન્યાને સવારે ૧૧ વાગ્યાનો સમય આપ્યો હતો. પરંતુ તે ટાઈમ પર પહોંચી નહીં અને બપોરે ૨.૩૦ વાગે એનસીબી ઓફિસ પહોંચી. આ અગાઉ ગત ગુરુવારે પણ અનન્યાને એનસીબીએ ૨ વાગે ઓફિસ બોલાવી હતી પરંતુ તે સાંજે ચાર વાગે પહોંચી. આ કારણે એનસીબી પોતાની પૂછપરછ પૂરી કરી શકી નહીં.

આવામાં સતત બીજા દિવસે મોડા આવવાના કારણે વાનખેડેએ ગઈકાલે એટલે કે શુક્રવારે અનન્યા પાંડે પર ભડકી ગયા અને તેમણે તેને કાયદાનું મહત્વ સમજાવ્યું. વાનખેડેએ અનન્યાને ફટકાર લગાવીને કહ્યું કે તમને ૧૧ વાગે બોલાવ્યા હતા અને તમે હવે આવો છો. અધિકારી તમારા ઈન્તેજારમાં નથી બેઠા. આ કોઈ પ્રોડકશન હાઉસ નથી પરંતુ એક સેન્ટ્રલ એજન્સીની ઓફિસ છે. આથી જેટલા વાગે બોલાવવામાં આવે તે સમયે પહોંચી જાઓ.

એનસીબીના સૂત્રોના જણાવ્યાં મુજબ અભિનેત્રી અનન્યા પાંડેના ૭ ઈલેકટ્રોનિક ગેઝેટ્સ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જેમાં મોબાઈલ અને લેપટોપ પણ સામેલ છે. આ ફોરેન્સિક તપાસ દ્વારા એનસીબી એવી ચેટ્સ અને ડિટેલ્સને મેળવવા માંગતી હશે જે કદાચ ડિલીટ કરી દેવાઈ હોય. આ ચેટ્સ એનસીબી રિટ્રીવ કરવા માંગે છે. જો આ રિટ્રીવ ડેટા સોમવાર સુધીમાં આવી જાય તો અનન્યા પાંડેની તે આધાર ઉપર પણ પૂછપરછ કરવામાં આવશે.

(3:23 pm IST)