Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

જમ્મુ -કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો મળશે: શાંતિ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે: અમિતભાઈ શાહ

એક સારું સીમાંકન થશે જેથી યુવાનોને કાશ્મીરમાં તક મળે, સીમાંકન બાદ ચૂંટણીઓ પણ યોજાશે

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે કહ્યું કે 5 ઓગસ્ટ 2019નો દિવસ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં ચૂંટણી થવાની છે. શાહે કહ્યું કે એક સારું સીમાંકન થશે જેથી યુવાનોને કાશ્મીરમાં તક મળે, સીમાંકન બાદ ચૂંટણીઓ પણ યોજાશે અને જમ્મુ -કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો મળશે. તેમણે કહ્યું કે જે કોઈ જમ્મુ-કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે, અમે તેની સાથે કડકાઈથી વ્યવહાર કરીશું.

શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીર યુથ ક્લબના સભ્યોને સંબોધતા શાહે કહ્યું કે, આ આતંકવાદ, ભત્રીજાવાદ, ભ્રષ્ટાચારનો અંત છે. તેમણે કહ્યું કે આજે જમ્મુ -કાશ્મીરમાં યુવાનો વિકાસ, રોજગાર અને શિક્ષણની વાત કરી રહ્યા છે. આ એક મોટો ફેરફાર છે. હવે ભલે ગમે તેટલું દબાણ કરવામાં આવે, પરિવર્તનને કોઈ રોકી શકતું નથી.

અમિતભાઈ  શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે શનિવારે શ્રીનગર પહોંચ્યા. જમ્મુ-કાશ્મીરમાંથી 370 નાબૂદ થયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની આ તેમની પ્રથમ મુલાકાત છે. ગૃહમંત્રીએ કહ્યું કે, સુરક્ષા સમીક્ષા બેઠક બાદ મારો પહેલો કાર્યક્રમ યુવા ક્લબના યુવાનો સાથે યોજાઈ રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરના યુવાનોને મળીને હું ખૂબ જ ખુશ છું.
તેમણે કહ્યું કે યુવાનોની ભાગીદારી વગર કોઈ પણ ક્ષેત્રમાં પરિવર્તન થઈ શકતું નથી. અઢી વર્ષ પહેલા જ્યાંથી આતંકવાદ, પથ્થરમારો અને હિંસાના સમાચારો આવતા હતા તે કાશ્મીરના યુવાનો આજે વિકાસની વાત કરે છે. શાહે કહ્યું, કાશ્મીરને ભારત સરકાર તરફથી મદદ મળે છે, તે મળવી જોઈએ, કાશ્મીરે ઘણું સહન કર્યું છે. પરંતુ એક દિવસ ચોક્કસ આવશે જ્યારે કાશ્મીર ભારતના વિકાસમાં યોગદાન આપશે.

(7:23 pm IST)