Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ફૈઝાબાદ રેલવે સ્ટેશનનું નામ અયોધ્યા કેન્ટ કરાશે

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની સાથ કાયાકલ્પ : રામ મંદિર મોડલ અનુસાર જ અયોધ્યા રેલવે સ્ટેશનને ભવ્યતા આપવામાં આવી રહી છે, પ્રસ્તાવને મંજૂરી અપાઈ

લખનૌ, તા.૨૩ : ઉત્તર પ્રદેશમાં રામની નગરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની સાથે-સાથે ત્યાંની કાયાકલ્પ પણ થઈ રહી છે. આ દરમિયાન ફૈઝાબાદ રેલવે સ્ટેશનને લઈને મોટો નિર્ણય થયો છે.

જાણકારી અનુસાર ફૈઝાબાદ રેલવે સ્ટેશનનુ નામ અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન બદલવાનો નિર્ણય થઈ ગયો છે. આ વાત પર મોહર લાગી ગઈ છે કે જલ્દી જ આ સ્ટેશનને અયોધ્યા કેન્ટના નામથી ઓળખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેટલાક મહિના પહેલા આ સંદર્ભમાં પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો જેને યુપીના સીએમ આદિત્યનાથે મંજૂરી આપી દીધી છે.

જોકે રામ મંદિર મોડલ અનુસાર જ અયોધ્યા રેલવે સ્ટેશનને ભવ્યતા આપવામાં આવી રહી છે. આ પ્રસ્તાવની સાથે અયોધ્યા નજીક જિલ્લા દરિયાબાદ બારાબંકી પર સુવિધાઓ વધારવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો.

ફઝાબાદ રેલવે સ્ટેશનનુ નામ બદલવાના પ્રશ્ન પર કેટલાક મહિના પહેલા ઉત્તર રેલવે જનરલ મેનેજરે કહ્યુ હતુ કે આનો પ્રસ્તાવ રેલવે બોર્ડને મોકલવામાં આવી ચૂક્યો છે ત્યારે જનરલ મેનેજરે એ પણ કહ્યુ હતુ કે અયોધ્યામાં બની રહેલા આંતરરાષ્ટ્રીય સ્તરના રેલવે સ્ટેશનનો આકાર પ્રકાર આ પ્રકારનો હશે કે ટ્રેનથી ઉતરતા જ શ્રદ્ધાળુઓને અહેસાસ થઈ જશે કે તેઓ એક આધ્યાત્મિક પૌરાણિક નગરીમાં પહોંચી ચૂક્યા છે. સ્ટેશનનુ નિર્માણ ભગવાન રામના મંદિરના મોડલ પર જ કરવામાં આવી રહ્યુ છે.

(9:22 pm IST)