Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

કેન્દ્ર સરકાર પહેલા કાળા કાયદા (કૃષિ સુધાર કાયદા)ને પરત લે, ત્યારે જ ભાજપ સાથે કોઇ રાજકીય વાતચીત થશે : અમરિંદર સિંહનું આક્રમક મૂડમાં : દિવાળીની નજીક નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે

નવી દિલ્હી: કેપ્ટન અમરિંદર સિંહે નવી પાર્ટીની જાહેરાતની તૈયારી કરી લીધી છે. અમરિંદર સિંહે એક પોસ્ટર જાહેર કરી ફરી ખેડૂત આંદોલન પર દાંવ રમ્યો છે. અમરિંદર સિંહે કહ્યુ કે કેન્દ્ર સરકાર પહેલા કાળા કાયદા (કૃષિ સુધાર કાયદા)ને પરત લે, ત્યારે જ ભાજપ સાથે કોઇ રાજકીય વાતચીત થશે. સ્પષ્ટ છે કે હવે કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્ર પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધુ છે, જેની અસર જલ્દી જોવા મળી શકે છે. ચર્ચા એવી પણ છે કે કેપ્ટન દિવાળીની નજીક નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે.

કેપ્ટન જૂથની રણનીતિ હવે એકદમથી કોંગ્રેસને ઝટકો આપવાની નથી. શરૂઆતમાં કેપ્ટનની નજીક રહેલા કેટલાક પૂર્વ મંત્રી અને ધારાસભ્ય તેમની સાથે આવશે, તે બાદ ધીમે ધીમે ધારાસભ્ય અને દિગ્ગજ કોંગ્રેસીઓને સામેલ કરવામાં આવશે. કેપ્ટનની રણનીતિ છે કે ચૂંટણી સુધી કોંગ્રેસને સંભળવાની તક ના આપવામાં આવે. સુત્રોની માનીએ તો કેપ્ટન 15 ધારાસભ્યોના સંપર્કમાં છે, તેમનો પ્રયાસ આ જ રહેશે કે ચૂંટણી અને ટિકિટ વહેચણી સુધી કોંગ્રેસને બળવામાં ઉલજાવીને રાખવામાં આવે.

કેપ્ટન અમરિંદર સિંહના સાંસદ પત્ની પરનીત કૌર પણ સક્રિય થઇ ગયા છે. કેપ્ટન અમરિંદર સિંહ લોકોને ના મળવાથી ઉલટ પરનીતની છબી અલગ છે. તે નેતાઓને મળતા પણ રહે છે અને તેમના રાજકીય સબંધ પણ સારા છે. એવામાં કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટીમાં તેમની ભૂમિકા મહત્વની છે. કેપ્ટન તેમના દ્વારા પણ પોતાના પાર્ટી માટે સમર્થન મેળવવાના પ્રયાસમાં છે.

આ પણ વાંચો: દેશમાં કોરોના સંક્રમણના 15,786 નવા કેસ ,24 કલાકમાં 561 દર્દીએ ગુમાવ્યો જીવ

પંજાબના રાજકારણમાં ભાજપ ક્યારેય લીડ પાર્ટી રહી નથી. અત્યાર સુધી તે અકાલી દળના સહારે રાજ્યના રાજકારણમાં ટકેલી છે. હવે પંજાબમાં ભાજપ પાસે કોઇ મોટો શીખ ચહેરો નથી, જેનો પંજાબમાં આધાર હોય. અકાલી દળ સાથે ગઠબંધન તોડ્યા બાદ ભાજપ માટે કેપ્ટન જેવો ચહેરો જરૂરી છે. બીજી તરફ ભાજપની મજબૂરી પણ સમજી શકાય છે કારણ કે પહેલા પ્રકાશ સિંહ બાદલના રૂપમાં તેમની પાસે દિગ્ગજ શીખ ચહેરો હતો. હવે કેપ્ટન સાથે ગઠબંધન કરી ભાજપ તેની ભરપાઇ કરી શકે છે. કેપ્ટન પણ કહી ચુક્યા છે કે ભાજપ એન્ટી મુસ્લિમ અથવા સાંપ્રદાયિક પાર્ટી નથી. કેપ્ટન અમરિંદર સિંહ કેટલીક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી ચુક્યા છે.

(1:50 pm IST)