Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

SRK ભાજપમાં જોડાશે તો ડ્રગ્સ પણ દળેલી ખાંડ સાબિત થશે

મહારાષ્ટ્રના મંત્રીએ કર્યો કટાક્ષ : શાહરૂખ ખાનનો દીકરો જેલમાં બંધ છે ત્યારે આ કેસને લઈને મહારાષ્ટ્રના મંત્રી છગન ભૂજબળે ભાજપ પર કટાક્ષ કર્યો

નવી દિલ્હી, તા.૨૪ : સુપરસ્ટાર શાહરૂખ ખાનનો દીકરો હાલ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ છે. ત્યારે આ કેસને લઈને મહારાષ્ટ્રના મંત્રી છગન ભૂજબળે ભાજપ પર કટાક્ષ કર્યો છે. છગન ભૂજબળે કહ્યું- જો શાહરૂખ ખાન ભાજપમાં જોડાઈ જાય તો ડ્રગ્સ પણ દળેલી ખાંડ બની જશે. એટલું જ નહીં ભૂજબળે એમ પણ કહ્યું કે, ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી મોટા જથ્થામાં ડ્રગ્સ પકડાયું હતું તેની તપાસ કરવાના બદલે કેંદ્રીય એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો આર્યન ખાનની પાછળ પડી છે. NCPના સિનિયર નેતાએ ન્યૂઝ એજન્સીને કહ્યું, જો શાહરૂખ ખાન ભાજપમાં જોડાઈ જાય તો ડ્રગ્સ પણ દળેલી ખાંડ સાબિત થઈ જશે. આર્યન ખાન કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો પર અનેક સવાલ ઉઠી ચૂક્યા છે અને કેટલાક રાજકારણીઓ આ મામલે ભાજપ પર પ્રહાર પણ કરી ચૂક્યા છે. દરમિયાન, મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર લાગેલા આક્ષેપો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સમીર વાનખેડેએ આક્ષેપો કરનારા સામે યોગ્ય પગલાં ભરવા જોઈએ જેથી એનસીપી નેતા નવાબ મલિક સહિતના રાજકારણીઓને ખબર પડે કે, તેમના વાણીવિલાસનું કેવું પરિણામ આવી શકે છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ક્રૂઝ શિપ પર દરોડા પાડીને કથિત રેવ પાર્ટી ઝડપી પાડી ત્યારથી NCP નેતા નવાબ મલિક સમીર વાનખેડે પર પ્રહાર કરી રહ્યા છે. નવાબ મલિકે એવો પણ દાવો કર્યો હતો કે, એક વર્ષમાં સમીર વાનખેડે પોતાની નોકરી ગુમાવી દેશે. આ મુદ્દે ચંદ્રકાંત પાટીલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું, *સેન્ટ્રલ એજન્સી માટે કામ કરતાં એક અધિકારી વિરુદ્ધ આવું નિવેદન આપ્યું હોવાથી પરિણામ ભોગવવું પડી શકે છે. વાનખેડેએ તેમની સામે જરૂરી પગલાં લેવા જોઈએ અને પરિણામ કેવું હોઈ શકે છે તે બતાવવું જોઈએ.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પણ આરોપ મૂક્યો હતો કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો બોલિવુડને બદનામ કરી રહ્યું છે, જેથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી મુંબઈ અને મહારાષ્ટ્રની બહાર થઈ જાય. ત્યારે આ અંગે પાટીલને પ્રશ્ન પૂછાતાં તેમણે કહ્યું કે, આ સવાલ કેંદ્રીય એજન્સીને કરવો જોઈએ, મને નહીં.

(7:14 pm IST)