Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

દરેકને પોતાના જીવનસાથી પસંદ કરવાનો અધિકારઃ કોઈ સરકાર ચંચુપાત કરી ન શકે

અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ફેંસલોઃ કાયદો પુખ્ત સ્ત્રી કે પુરૂષને પોતાના જીવનસાથી પસંદ કરવાનો અધિકાર આપે છેઃ તેમના શાંતિપૂર્ણ જીવનમાં કોઈ વ્યકિત કે પરિવાર દખલ દઈ ન શકે

પ્રયાગરાજ, તા. ૨૪ :. કથીત લવ જેહાદ વિરૂદ્ધ યુપીમાં કડક કાયદો બનાવવાની સરકારની તૈયારીઓ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વનો ફેંસલો આપ્યો છે. અદાલતે કહ્યુ છે કે કોઈપણ વ્યકિતને પોતાની પસંદગીનો જીવન સાથી પસંદ કરવાનો અધિકાર છે. કોર્ટે કહ્યુ છે કે કાયદો બે પુખ્ત વ્યકિતઓને એક સાથે રહેવાની પરવાનગી આપે છે તે પછી ભલે તે સમાન કે વિપરીત સેકસના કેમ ન હોય !

કુશીનગરમા રહેતા સલામત અન્સારી અને પ્રિયંકા ખરવાર મામલાની સુનાવણી કરતા કોર્ટે કહ્યુ હતુ કે કાયદો એક પુખ્ત સ્ત્રી કે પુરૂષને પોતાના જીવન સાથી પસંદ કરવાનો અધિકાર આપે છે. અદાલતે કહ્યુ છે કે તેઓને શાંતિપૂર્વક જીવન જીવવામાં કોઈ વ્યકિત કે પરિવાર દખલ દઈ ન શકે.

અદાલતે કહ્યુ છે કે એટલુ જ નહિ રાજ્ય પણ બે પુખ્ત લોકોના સંબંધને લઈને વિરોેધ કરી ન શકે.

અત્રે નોંધનીય છે કે સલામત અને પ્રિયંકાએ કોઈ પરિવારની મરજી વિરૂદ્ધ લગ્ન કર્યા હતા બન્નેએ મુસ્લિમ રીતીરિવાજ સાથે ૧૯ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ લગ્ન કર્યા હતા. પ્રિયંકા લગ્ન બાદ આલીયા બની ગઈ હતી અને આ કેસમાં પ્રિયંકા વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી હતી જેમા કહ્યુ હતુ કે પુત્રીને ફોસલાવીને ભગાડી જવામાં આવી છે. એફઆઈઆરમાં આરોપી વિરૂદ્ધ પોકસો એકટ લગાવવામા આવી છે. જસ્ટીસ પંકજ નકવી અને વિવેક અગ્રવાલની રીવીઝન બેન્ચે સુનવણી દરમિયાન કહ્યુ હતુ કે પ્રિયંકા ઉર્ફે આલીયાની ઉંમરનો વિવાદ નથી. તેમની ઉંમર ૨૧ વર્ષની છે. કોર્ટે આલીયાને પતિ સાથે રહેવાની છૂટ આપી છે. કોર્ટે કહ્યુ છે કે પ્રિયંકા અને સલામતને અદાલત હિન્દુ અને મુસ્લિમના સ્વરૂપમાં નથી જોતી. કોર્ટે કહ્યુ છે કે પ્રિયંકાની મરજી છે કે તે કોને મળવા માગે છે. જો કે કોર્ટે આશા વ્યકત કરી હતી કે પુત્રી પરિવાર માટે યોગ્ય શિષ્ટાચાર અને સન્માનનો વ્યવહાર કરશે.

(10:39 am IST)